વિસનગર તાલુકાના વાલમ ગામની યુવતીના રેપ વિથ મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપીનો મોબાઈલ તેમજ રીક્ષામાં લગાવેલા સ્ટીકર સહિત મળ્યા ન હોવા સહિતની તપાસ કરવા માટે કોર્ટમાં વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વિસનગર તાલુકાના વાલમ ગામમાં રહેતી 23 વર્ષીય યુવતીની બાસણા ગામની સીમમાંથી લાશ મળી હતી. જેમાં 25 એપ્રિલે રીક્ષામાં બેસી નોકરીએથી પરત ઘરે આવી રહી તે દરમિયાન રીક્ષા ચાલકે બાસણા ગામની સીમમાં યુવતી સાથે દુષ્કર્મ કરી દુપટ્ટાથી ગળું દબાવી તેમજ શરીરે ઇજાઓ પહોંચાડી તેની હત્યા કરી નાખી હતી. જે ગુનાનો ભેદ પોલીસે ઉકેલી પુદગામના રીક્ષા ચાલક ઠાકોર વિજયજી ઉદાજીની ધરપકડ કરી હતી. જેને વિસનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારી વકીલ આર.બી. દરજીએ આરોપીને ઉલ્ટી થઈ હતી જે ઉલ્ટી ભોગ બનનારના કપડાં અને બુટ પર પડી હતી. આ ઉપરાંત તેનો મોબાઈલ અને રીક્ષામાં લગાવેલ સ્ટીકર પણ મેળવવાનું બાકી હોવાથી પોલીસ દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડની માંગણી હતી. જેમાં એડિશનલ સેશન જજ એમ.કે.ઉપાધ્યાયે આરોપી વિજય ઠાકોરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.