મારો અવાજ-પાલનપુર,
બનાસકાંઠા જિલ્લાના સહકારી મંડળીઓના ઓડિટરને એસીબીએ રૂપિયા ૫૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. પાલનપુરની મિલ્ક ઓડિટ સહકારી વિભાગ દ્વારા હાલ ડેરીનું વાર્ષિક ઓડિટ ચાલી રહ્યું છે. ત્યારે ઓડિટર દ્વારા ડેરીના સંચાલક પાસે ઓડિટમાં કોઈ ખામી નહીં કાઢવા બદલ લાંચની માગ કરવામાં આવી હતી. જે અંગે એસીબીમાં ફરિયાદ થતા એસીબીએ છટકું ગોઠવી ઓડિટરને ૫૦ હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.
પાલનપુર મિલ્ક ઑડિટ સહકારી વિભાગમાં ઓડિટર તરીકે ફરજ બજાવતા પ્રવીણકુમાર ચુનિલાલ જોશી દ્વારા ડેરીના વાર્ષિક ઓડિટનું કામ ચાલી રહ્યુ હતું. ત્યારે એક ડેરીના સંચાલક પાસે વાર્ષિક ઓડિટમાં કોઈ ખામીઓ નહીં કાઢવા અને હેરાનગતિ નહીં કરવાના અવેજ પેટે પ્રવીણકુમાર જોશી દ્વારા ફરિયાદી પાસે ૫૦ હજાર રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. જે નાણાં ફરિયાદી આપવા માગતા ન
હોય પાણ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ એસીબીની ટીમે આજે છટકું ગોઠવી ડીસાના ત્રણ હનુમાન રોડ પર આવેલા પિતૃકૃપા કોમ્પલેક્સમાંથી પ્રવીણકુમાર જોશીને ૫૦ હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લાંચિયો કર્મચારી એસીબીના સકંજામાં આવતા જ અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.એસીબી દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.