ઐતિહાસિક નગરી વડનગરમાં જીઆઈડીસીને સૈદ્ધાંતિક મંજૂરી, રોજગારીની તકો ઊભી થશે.
વડનગર તેમજ આજુબાજુના લોકોની રોજગારીની તકો મળી રહે તે માટે શહેરમાં જીઆઈડીસી બનાવવા સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાતાં વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. સ્થાનિક ધારાસભ્ય તેમજ આગેવાનોની રજૂઆતોને પગલે સરકારે મંજૂરી આપતાં આ જીઆઈડીસી ક્યાં બનાવવી તે માટે જમીન પસંદગી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.
પાલિકાના પૂર્વ પ્રમુખ ઘેમરજી ઠાકોરે જણાવ્યું કે, વડનગર તેમજ આજુબાજુના વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે. નવી રોજગારીની તકો ઊભી થતાં લેબરકામ કરતા લોકોએ વિસનગર સુધી લાંબા નહીં થવું પડે. ગીરીશભાઇ પટેલે જણાવ્યું કે, જીઆઇડીસી આવશે તો રોજગારીની તકોની સાથે આજુબાજુના ખેડૂતોની જમીનના ભાવ પણ વધશે.
ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, લોકોની લાગણીની સરકારમાં રજૂઆત કરતાં 16 મેના રોજ મળેલી જીઆઈડીસીની બોર્ડ મિટિંગમાં વડનગરમાં જીઆઈડીસી બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. આ વિસ્તારને ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર બનાવવા સરકારે વિકાસલક્ષી નિર્ણય લીધો છે. સૈદ્ધાંતિક મંજૂરી મળતાં જીઆઈડીસી ક્યાં બનાવવી તે માટે જમીન પસંદગી અને ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયા હાથ ધરાશે