સીબીઆઇએ બ્રિટનની એરોસ્પેસ અને ડિફેન્સ કંપની રોલ્સ રોયસ પીએલસી, તેના ભારત યુનિટના બે એક્ઝિક્યુટીવ તથા આર્મ્સ ડિલરો સામે કેસ દાખલ કર્યો છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આરોપીએો પર આ કાર્યવાહી ૬૬ હોક ૧૧૫ એડવાન્સડ જેટ ટ્રેઇનર એરક્રાફ્ટ ખરીદવામાં ભ્રષ્ટાચાર આચરવા બદલ કરવામાં આવી છે.
સીબીઆઇએ રોલ્સ રોયસ ઇન્ડિયાના ડાયરેક્ટર ટીમ જોન્સ, આર્મ્સ ડીલરો સુધીર ચૌધરી અને તેમના પુત્ર ભાનુ ચૌધરી, રોલ્સ રોયસ પીએલસી અને બ્રિટિશ એરોસ્પેસ સિસ્ટમ સામે કેસ દાખલ કર્યો છે.
આ આરોપીઓ સામે સીબીઆઇએ આઇપીસીની કલમ ૧૨૦-બી અને ૪૨૦ હેઠળ કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ડિસેમ્બર, ૨૦૧૬માં પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.
સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨૦૧૭માં બ્રિટિશ કોર્ટના ઓર્ડરમાં પણ કરાર મેળવવા માટે કમિશન ચુકવવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સીબીઆઇના જણાવ્યા અનુસાર આ સોદામાં સરકારી કર્મચારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરવામાં આરોપીઓની મદદ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે રોલ્સ રોયસે કરાર હસ્તગત કરવા માટે ૧ કરોડ પાઉન્ડનું કમિશન ચુકવ્યું હતું.
આ કમિશન ૭૩.૪૨૧ કરોડ પાઉન્ડમાં ૬૬ હોક ૧૧૫ એડવાન્સડ જેટ ટ્રેઇનર એરક્રાફ્ટની ખરીદીનો કરાર મેળવવા માટે ચુકવવામાં આવ્યું હતું.