પાલનપુર
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાલનપુર ખાતેથી આવતીકાલ તા. ૧૦ જૂન-૨૦૨૩, શનિવારના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ૨૨ નગરપાલિકાઓમાં ૨૨.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સીટી સિવિક સેન્ટરર્સ (જનસુવિધા કેન્દ્ર) નું લોકાર્પણ કરવામાં આવશે. જેનો રાજ્યકક્ષાનો સમારોહ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે રામપુરા સર્કલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા ખાતે નિર્મિત સીટી સિવિક સેન્ટરર્સના લોકાર્પણ સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ૨૨ જિલ્લાઓના સીટી સિવિક સેન્ટરર્સનું પણ પાલનપુર ખાતેથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. પાલનપુર અને ડીસા શહેરમાં સીટી સિવિક સેન્ટરના લોકાર્પણથી નાગરિકોના કામકાજમાં સમય, શક્તિ અને નાણાંની બચત થશે અને નાગરિકોને સરકારના લોકાભિમુખ વહીવટની પ્રતીતિ થશે.
બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અને ડીસા ખાતેના સીટી સિવિક સેન્ટર (જન સુવિધા કેન્દ્ર) નાગરિકો માટે સુવિધાયુક્ત સરનામું બની રહેશે. અહીં અરજદારો મિલકત વેરો, મિલકતની આકારણીની અરજી, લગ્ન નોંધણી, જન્મ-મરણના દાખલા, RTIની અરજીઓ, હૉલ બુકિંગ, ફાયર એન.ઓ.સી.ની અરજીઓ તેમજ અન્ય ફરિયાદની અરજીઓ, વ્યવસાય વેરો તથા વ્યવસાય વેરાનું રજિસ્ટ્રેશન, ગુમાસ્તાધારા લાઈસન્સ વગેરેની સુવિધા સરળતાથી ઉપલબ્ધ બનશે. જેથી લોકોની શક્તિ, સમય અને ખર્ચનો બચાવ થશે. આ જનસુવિધા કેન્દ્રો ખરા અર્થમાં નાગરિકો માટે સુવિધાસભર કેન્દ્રો બની રહેશે.