ગાંધીધામ અને ભચાઉ શહેરના નાગરિકોને સિટી સિવિક સેન્ટરની મદદથી વિવિધ સેવાઓ એક સ્થળે મળી રહેશે
રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના નાગરિકોને મળવા પાત્ર સેવાઓ ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે રાજ્યની રર નગરપાલિકાઓમાં સુવિધાઓના વન સ્ટોપ સેન્ટર તરીકે સિટી સેવક સેન્ટર (નાગરિક સુવિધા કેન્દ્ર) શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ, ભચાઉ, ધોળકા, બરવાળા, સુરેન્દ્રનગર, ડાકોર, દ્વારકા, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, કાલોલ, ગોધરા, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ,વ્યારા, વેરાવળ તથા અમરેલી સહિત કુલ ૨૨ નગર પાલિકાઓમાં નાગરિક સુવિધા કેન્દ્રો શરૂ થનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરશે. જેમાં કચ્છ જિલ્લામાં ગાંધીધામ અને ભચાઉ શહેરનો સમાવેશ થાય છે.
લોકો જન સેવા કેન્દ્રના માધ્યમથી સરળતાથી સરકારની વિવિધ સેવાનો લાભ એક સ્થળે લઈ શકે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કચ્છ જિલ્લામાં ગાંધીધામ અને ભચાઉ નગરપાલિકામાં તૈયાર કરવામાં આવેલા નાગરિક સુવિધા કેન્દ્રનો લાભ જાહેરજનતાને મળશે..
કચ્છ જિલ્લાના બંને સિટી સિવિક સેન્ટર ખાતે નાગરિકોને મિલ્કત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ-મરણ પ્રમાણપત્ર, પાણી-ગટર જોડાણની અરજીઓ, હોલ બુકીંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી તેમજ ફાયર એન.ઓ.સી. અરજી વગેરે જેવી સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે.
ગાંધીધામ અને ભચાઉ ખાતે તૈયાર થયેલા બંને સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ પાલનપુર ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૧૦ જુનના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે થશે. જેમાં સ્થાનિક કક્ષાએ ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.