અમરેલીના SP રહી ચૂકેલા નિર્લિપ્ત રાયની તાજેતરમાં સ્ટેટ વિજીલન્સમાં બદલી કરવામાં આવી હતી, પરંતુ નિર્લિપ્ત રાય જેનું નામ અહીં આવીને પણ તેમણે જબરદસ્ત સપાટો બોલાવી દીધો. ટુંકા ગાળામાં જ 150 કેસ કર્યા, 6 કરોડનો દારૂ પકડ્યો અને 12 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા. નિર્લિપ્ત રાય જ્યારે અમરેલીના SP હતા ત્યારે ગુંડાઓ અને અસામાજિક તત્વો થર થર કાંપતા હતા.
ગુજરાતમાં તાજેતરમાં જ 50થી વધુ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ અધિકારીઓની બદલીમાં અમરેલીના SP નિર્લિપ્ત રાય પણ નામ સામેલ હતા. SP નિર્લિપ્ત રાયે અમરેલીમાં સાડા ત્રણ વર્ષથી પણ વધુ સમય સુધી ફરજ બજાવીને જ્યારે ટ્રાન્સફર થયા ત્યારે અમરેલીના લોકોએ તેમને ભાવભીની વિદાય આપી હતી અને જે રસ્તા પરથી પસાર થયા હતા ત્યાં ફુલોના વધામણાં કર્યા. મતલબ કે લોકોએ તેમને અભૂતપૂર્વ સન્માન આપ્યું હતું. તેમની બદલી ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના SP તરીકે કરવામાં આવી હતી અને અહીં આવીને પણ તેમણે સપાટા બોલાવવાનું ચાલું રાખ્યું હતું.
સ્ટેટ વિજિલન્સ સેલે જાન્યુઆરીથી 25મી એપ્રિલ સુધીમાં જ દારૂ-જુગારના 150થી વધુ ગુના નોંધીને સપાટો બોલાવી દીધો છે. આ ગુનાઓમાં 3 કરોડના દારૂના જથ્થા સાથે કુલ 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, એમાં પણ ક્વૉલિટી કેસ કરીને પોલીસ ઇન્સ્પેકટર સહિત ડઝનેક જેટલા પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ થયા હોવાનું જાણવા મળ્યું છે. ગત 2021ના વર્ષમાં આ જ સમયગાળામાં સ્ટેટ વિજીલન્સ સેલ દ્વારા કરવામાં આવેલા કેસોની સરખામણી કરીએ તો ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં 45 જેટલા વધુ ગુના નોંધાયા છે.
રાજ્ય પોલીસદળમાં કડક છાપ ધરાવતા સ્ટેટ વિજિલન્સ સેલના પોલીસ-અધીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધીક્ષક કે.ટી. કામરિયાની દેખરેખ હેઠળ સ્ટેટ વિજિલન્સ સેલ દ્વારા ગુજરાતમાં રોજબરોજ દરોડાની કાર્યવાહી હાથ ધરીને ચકચાર મચાવી દીધી છે. આ ગુનાઓમાંથી 71 ક્વૉલિટી કેસ હતા. 1 લાખ કે તેથી વધુ કિંમતના દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોય એને ક્વૉલિટી કેસ ગણવામાં આવે છે.
એ જ રીતે જુગારના 47 કેસ કરીને 14 લાખથી વધુની રોકડ રકમ સહિત કુલ 70.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આમ તો 25 હજારથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો, 15 હજારથી વધુ દેશી દારૂનો જથ્થો અને જુગારના કેસોમાં 10 હજારથી વધુ રોકડ જપ્ત કરી હોય એને ક્વોલિટી કેસ ગણવામાં આવે છે. આ જથ્થો જો કોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાન કે ગોડાઉનમાંથી પકડાયો હોય તો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર સહિત જવાબદાર વ્યક્તિને સસ્પેન્ડ કરવામાં આવતી હતી, પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં લઇને તેમાં સૈદ્ધાંતિક સુધારો કરવામાં આવ્યો છે.
હાલમાં 1 લાખ કે તેથી વધુની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાય તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. આ નિયમ અંતર્ગત નારોલના PI સહિત બે PSI ઉપરાંત રાજકોટના 3 હેડ કોન્સ્ટેબલ તથા એક કોન્સ્ટેબલ સહિત ચાર જણા અને મહેસાણા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે પાટણ અને વડનગરના પોલીસ ઇન્સ્પેકટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે.