ગુજરાતનું 12 ધાોરણનું રિઝલ્ટ આવ્યું, જે મા-બાપના બાળકોએ ૧૨ની પરીક્ષા આપી હતી એ હરેક માતા-પિતાએ આજના પરિણામની રાહ જોઇ. પરિણામ આવ્યાં પછી બાળકને ક્યાં ભણાવવું? ક્યા ક્ષેત્રમાં મુકવું? એ બહુ અગત્યનું બની ગયું. હમણાં જ UPSCનું પરિણામ આવ્યું, જેમાં પ્રથમ 3 નંબરે છોકરીઓએ બાજી મારી છે. ગુજરાતમાં પણ મોટાભાગની પરીક્ષાઓમાં છોકરીઓ બાજી મારી લે છે. પણ…
વિકાસના રોલ મોડેલ ગણાતા ગુજરાતનું એક એવું કડવું સત્ય પણ છે, બનાસકાંઠાનું વાડિયા ગામ. અહીં છોકરીઓને પરિવાર જ દેહવ્યાપાર કરવા ધકેલે છે અને હવે તો આ વારસાગત બની ગયું છે, પણ અહીં હવે સુખની સુરજ ઉગ્યો છે. આઝાદીના આટલા વર્ષો બાદ વાડીયાની દિકરીઓ માં પહેલી પેઢીએ ૧૨મુ ધોરણ પાસ કર્યું છે. ખાલી પાસ જ નહીં 60 ટકા મેળવી એ છોકરીએ સાબિત કરી બતાવ્યું છેકે કાળી અંધારી રાતમાં કીકારીઓ વચ્ચે પણ અભ્યાસથી બધુ બદલાઇ શકે છે.
વાડિયા માટે સુખનો સુરજ એટલે રવીના, રવિનાએ નાની ઉંમરે મા-બાપની છત્ર છાયા ગુમાવી હતી. રવીના ભટકી જ જવાની હતી પણ ત્યાં શારદાબેન જેવા સમાજસેવિકાએ રવીનાનું ખોરડું કોતરાય તે પહેલા એનો હાથ પકડી લીધો. રવીનાની મા તો રવીનાને શારદાબેનના ખોળા મુકીને ચાલ્યા ગયા, પણ રવીના માટે સામાન્ય જીવન શક્ય નહોતું. શારદાબેન જેવા દેવદૂતને લીધે રવીનાના નસીબમાં ભણવાનું લખ્યું હશે. એટલે શારદાબેનની છત્રછાયા હેઠળ રવીના પાલનપુરમાં ભણી, આજે ૧૨મુ ધોરણ પાસ કર્યુ. વાડિયામાં શારદાબેને સતત ૨૫ વર્ષથી મહિલાઓ માટે કામ કર્યું, જેના ફળ સ્વરૂપ આજે રવીના પરિણામ આપ્યું. આમ, રવીનાની સિદ્ધિ પાછળ શારદાબેનનો સૌથી મોટો હાથ રહ્યો.
આ એજ શારદાબેન છે, જેમણે વાડિયામાં ચાલી આવતી દેહવ્યાપારની પરંપરાગત બદીમાંથી સ્ત્રીઓને ઉગારવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે અને સોનુ-ચાંદી ન પહેરવાની નેમ (સોગંધ) લીધી છે. આજે રવીનાને ઉગારીને શારદાબેને માનવતાની મિસાલ ઉભી કરી છે, એટલે જ વાડિયામાં દેહવ્યાપારની કાળી રાતો વચ્ચે હવે સુખની સવાર પડી છે. દેહવ્યાપારમાં દલાલોના આંકડાઓ વચ્ચે આજે દિકરીઓ અભ્યાસના આંકડા ગણતી થઈ છે. જેનો સૌથી મોટો શ્રેય શારદાબેનને જાય છે. સાથે એમની દિકરીએ પણ માતા પદચિન્હો પર ચાલી છોકરીઓને ભણાવવાનું કામ ઉપાડી લીધું છે. વાડિયામાં આમ તો સ્ત્રીઓની પરિસ્થિતિ બહુ ખરાબ છે, પણ શારદાબેન અને એમની દિકરી માનસીએ છોકરીઓને દલાલોના હાથમાંથી છોડાવી સારૂ અને સ્વતંત્ર જીવન જીવવા માટે સહારો આપ્યો છે. વાડિયા ગામમાં જવું હોય તો આજે પણ પોલીસ નહિ શારદાબેનની મદદ લેવી પડતી હોય છે… વડિયા ના દરેક નાના મોટા કામોમાં શારદાબેન નું નામ પેહલા હોય છે..
રવીનાનું ૧૨મુ ધોરણ પાસ કરવું એટલા માટે મહત્વનું છે કેમકે અહીં છોકરી જન્મે પછી એના નસીબમાં દેહવ્યાપાર જ ઘુંટાઇ જાય છે. જોકે હવે રવીનાએ એનો છેદ ઉડાડી દીધો છે. રવીનાએ પોતાની સિદ્ધિ વિશે કહ્યું કે, મારે IPS બનવું છે, લોકસેવાનું કામ કરી શારદાબેનના બધા કામ પૂર્ણ કરવા છે. વાડિયાના દેહવ્યાપારના દાવાનળમાંથી દિકરીઓને બહાર કાંઢવી છે. શારદાબેન કહે છે કે, મારી દિકરી રવીનાએ મારી ૨૫ વર્ષની મહેનત સાર્થક કરી. વાડિયાની દિકરીઓ માટે રવીના એક ઉદાહરણ સાબિત થશે. કેટલીય દિકરીઓ હવે અભ્યાસ માટે આગળ આવશે. બસ આમ જ હવે આવી 10 રવિના મારે તૈયાર કરવી છે, પણ આ કામ આપ સૌની મદદની જ શક્ય બન્યું છે અને આશા રાખુ કે આપ સૌ મદદ કરશે.