મારો અવાજ ન્યૂઝ :
રાજ્યમાં આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજવા જય રહી છે. આ ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી ખુબ સક્રિય બની છે. સુરતમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠક મળી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપ્યું છે.
આ બેઠકમાં સી આર પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે વિધાનસભાની ચૂંટણીને લઈને ટિકિટની કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. પ્રદેશ કારોબારીની બેઠકમાં સી આર પાટીલે ટકોર કરતા કહ્યું જે મેરિટના આધારે જ કેંદ્રીય નેતૃત્વ ઉમેદવારોને ટિકિટ આપશે. પોતાના સંબોધનમાં સી આર પાટીલે કહ્યું કે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ભાજપના દરેક કાર્યકરને નખશીખ ઓળખે છે. હું કોઈના નામની ભલામણ કરવાનો નથી, પીએમ મોદી અને અમિત શાહ જ નક્કી કરશે કે કોને ટિકિટ આપવી. આ સાથે જ એમણે કહ્યું કે કોઈની ટિકિટ કપાય તો પોતાના સમર્થક કાર્યકર્તાઓને આગળ ન કરવા પણ પક્ષમાં જ જે રજૂઆત કરવી હોય એ પોતે કરવી.
