મારો અવાજ,
મુરાદાબાદના ઉદ્યોગપતિ ડૉ.અરવિંદ કુમાર ગોયલે તેમની તમામ સંપત્તિ ગરીબોને દાન કરી દીધી છે. દાન કરવામાં આવેલી આ સંપત્તિની કિંમત આશરે રૂપિયા 600 કરોડ જેટલી થાય છે. ગોયલે તેમની પાસે ફક્ત ઘર જ રાખ્યું છે. તેમણે 50 વર્ષની મહેનતથી આ સંપત્તિનું સર્જન કર્યું હતું.
દેશભરમાં ચાલે છે સેંકડો અનાથ આશ્રમ અને શાળાઓ
ડૉ.ગોયલ બિઝનેસમેન હોવાની સાથે સમાજસેવાના કાર્યોમાં જોડાયેલા છે. ગોયલના સહયોગથી છેલ્લા 20 વર્ષમાં દેશભરમાં સેંકડોની સંખ્યામાં વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ અને ફ્રી હેલ્થ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. આ સાથે તેમની મદદથી ચાલી રહેલી શાળાઓમાં ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પણ આપવામાં આવે છે. કોવિડ લોકડાઉનમાં પણ આશરે 50 ગામોને તેમણે દત્તક લઈ લોકોને ફ્રીમાં ભોજન તથા દવાઓ ઉપલબ્ધ કરાવી હતી.
રાજસ્થાનમાં પણ અનેક શાળા-કોલેજ
ડૉ.અરવિંદ ગોયલે 50 વર્ષના સખત પરિશ્રમથી અહીં સંપત્તિનું સર્જન કર્યું છે. મુરાદાબાદ ઉપરાંત પ્રદેશના અન્ય ભાગો તથા રાજસ્થાનમાં પણ તેઓ શાળા-કોલેજ તથા એન્જીનિયરિંગ કોલેજ ધરાવે છે. મુરાદાબાદની સિવિલ લાઈન્સના તેમને રહેઠાણ સિવાય તેમણે બાકીની તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે આ દાન સીધા રાજ્ય સરકારને આપ્યું છે, જેથી જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડી શકાય.
મુરાદાબાદના સિવિલ લાઈન્સમાં ડૉ.અરવિંદ કુમાર ગોયલનો બંગલો આવેલ છે. સોમવારે રાત્રે તેમણે પોતાની તમામ સંપત્તિ દાન કરવાની જાહેરાત કરી, તે સાથે જ સમગ્ર શહેરમાં તેમના નામની જ ચર્ચા થવા લાગી હતી. મંગળવારે સવારે તેમના બંગલા ખાતે લોકોની ભીડ એકત્રિત થઈ ગઈ હતી.
પત્ની અને બાળકોએ આ નિર્ણયને ટેકો આપ્યો
ડૉ.ગોયલના પરિવારમાં તેમની પત્ની રેણૂ ગોયલ ઉપરાંત તેમના બે દીકરા અને એક દીકરી છે. તેમના મોટા દીકરા મધુર ગોયલ મુંબઈમાં રહે છે. નાનો દીકરો શુભમ પ્રકાશ ગોયલ મુરાદાબાદમાં રહી સમાજસેવા તથા બિઝનેસમાં પિતા સાથે છે. દીકરી લગ્ન બાદ બરેલીમાં રહે છે. તેમના દીકરા કે પરિવારના કોઈ સભ્યનો સંપર્ક થઈ શક્યો નથી. જોકે ત્રણેય બાળકો તથા પત્નીએ ગોયલના નિર્ણયને આવકાર્યો છે.
અરવિંદ ગોયલને ગરીબો તેમને મસીહા માને છે. અહીં વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં રહેતા સેંકડો નિસહાય અને અનાથ તેમને ભગવાન કહે છે. સ્થાનિક લોકો કહે છે કે અરવિંદ ગોયલની દિનચર્ચા છેલ્લા 20 વર્ષમાં ક્યારેય બદલાઈ નથી.
સાદગીમય જીવન જીવે છે
ડૉ.ગોયલ મુરાદાબાદ ઉપરાંત ઉત્તર પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવે છે. પ્રદેશની સાથે દેશના અલગ-અલગ ભાગોમાં તેઓ શાળા-કોલેજ ધરાવે છે. મુરાદાબાદના ઉચ્ચ ઉદ્યોગપતિ હોવા છતાં તેઓ સાદગીમય જીવન જીવે છે.
સોશિયલ મીડિયા ઉપર દાનવીર કર્ણ સાથે તેમની તુલના થઈ રહી છે
સોશિયલ મીડિયા ઉપર લોકો તેમના કાર્યોની ખૂબ જ મદદ કરેછે. અનેક યુઝર્સ લખે છે કે ઉદ્યોગપતિના આ દાનને લઈ ખૂબ જ ભાવુક છે. કેટલાક યુઝર્સ તેમની તુલના દાનવીર કર્ણ સાથે કરે છે. એક યુઝર્સે લખ્યું- ડો.ગોયલનું આ પગલું સમાજ માટે દર્પણ છે. અન્ય ઉદ્યોગપતિઓએ પણ તેમની પાસેથી પ્રેરણા લઈ સમાજ તથા દેશ અંગે વિચાર કરવો જોઈએ.
5 સભ્યની સમિતિ દેખરેખ રાખશે
ડૉં. ગોયલે રાજ્ય સરકાર સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેમની સંપત્તિનું વેચાણ કરી જે પણ નાણાં મળે તેનાથી ગરીબોની મદદ કરવામાં આવે. આ સાથે પાંચ સભ્યની સમિતિની રચના કરવામાં આવે. તેમા ત્રણ સભ્ય તેઓ નક્કી કરશે. અન્ય બે સરકાર તરફથી નક્કી કરવામાં આવશે. આ સમિતિ સંપૂર્ણ સંપત્તિને યોગ્ય કિંમતથી વેચાણ કરી જે નાણાં આવશે તે અનાથ અને નિસહાય લોકોને ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડશે.