બોટાદ કેમિકલ કાંડ પછી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. રાત દિવસ મહેનત કરી પોલીસે આરોપીઓને પકડ્યા છે. બીજી તરફ 2500 જેટલા પોલીસ જવાનોએ દિવસ રાત એક કરી ખેતરો ખૂંદી ઝેરી દારૂ પીનારાઓને શોધી શોધી હોસ્પિટલ ભેગા કર્યા છે. તેમ છતાં પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવતા લોકોને પોલીસ જવાનોએ ગઝલ રૂપી સંદેશો આપી પોતાની વ્યથા ઠાલવી છે.
ઘણા પોલીસ કર્મીએ ગઝલ સ્ટેટ્સમાં મૂકી
લઠ્ઠાકાંડ બાદ પોલીસની મુંઝવણની ગઝલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં કામગીરીમાં થઈ રહેલી પરેશાનીઓનું વર્ણન છે. ઓછા પગારની વ્યથાનું વર્ણન પણ કરાયું છે. કાર્યવાહી દખલરૂપી ભલામણો અંગે પણ કટાક્ષ કરાયો છે.અનેક પોલીસ જવાનોએ પોતાના વોટસએપ સ્ટેટસમાં આ ગઝલ મૂકી છે.
”ખાખી તારો અવાજ”
કામ કરો તો કચવાટ થાય છે, ના કરો તો બદનામ કરાય છે
દરેક ગંભીર પરિસ્થિતિમાં, ફક્ત પોલીસ પોલીસ જ થાય છે
રેઈડ પાડો તો ભલામણ થાય છે, ના પાડો તો મેણા મરાય છે
24 કલાક ફરજ લેવાય છે, છતાંય ઓછા પગાર અપાય છે
ભૂલ તો દરેકથી થાય છે, પણ ધ્યાને તો ફક્ત ખાખી જ લેવાય છે
ના તહેવાર સચવાય છે, ન વહેવાર સચવાય છે
દરેક મુશ્કેલીનો સામનો, આ ખાખીને જ કેમ થાય છે?
સસ્પેન્ડ, ઇન્કવાયરી અને બદલીથી, આ ખાખીનું રૂદન ઘવાય છે
છતાય… ખાખી તારો અવાજ, આ લોકોને ક્યાં સમજાય છે