મારો અવાજ,
રાજસ્થાનની ઘટનાએ ગુજરાતના દલિતોમાં કોંગ્રેસનો જે ભ્રમ બનેલો છે તે મિટાવી દીધો છે.ગુજરાતના દલિતોએ ત્રીસ વર્ષ ભાજપના શાસનમાં અનેકો અત્યાચાર વેઠયા છે અને વેઠી રહ્યાં છે માટે ભાજપને હટાવવા તેઓ કોંગ્રેસને ગુજરાતની સરકાર દાનમાં આપી દેવા માટે તેઓ એડીચોટીનું જોર લગાવી તૈયાર થઈ ગયા છે પણ રાજસ્થાનમાં ઇન્દ્ર મેઘવાળની ઘટના ત્યારબાદ એફઆઇઆર થવામાં દિવસોના દિવસો સુધીનો વિલંબ અને પીડિત પરિવારને પોલીસની લાકડીઓથી માર મારવો અને આંદોલિત થયેલા સામાજિક આગેવાનોની ધરપકડ કરવી,લાઠીચાર્જ કરવો જેવી ઘટનાએ ફરીથી દલિત સમાજને પુરાવો આપ્યો છે કે તેઓની સામાજિક સમાનતાની લડાઈમાં તેઓ એકલા છે.ના તેઓની સાથે કોઈ રાજકીય પાર્ટી છે કે ના કોઈ સરકાર,તેઓની સાથે કોઈ છે તો બસ આ સરકારોની પોલીસની લાઠીઓનો માર અને તેઓનો પાશવી અત્યાચાર.
અમદાવાદ શહેરમાં લગભગ દસ લાખ દલિતો રહે છે એવા અમદાવાદમાં અસંવેદનશીલ રાજસ્થાનનો મુખ્યમંત્રી અશોક ગહેલોત કાલે અમદાવાદ ખાતે આવેલ હતો.ગેહલોતની અમદાવાદની મુલાકાતમાં જો કોઈ જ પ્રતિકાર ન થાય તો અમદાવાદના અને ગુજરાતના દલિત આંદોલનનું નાક જાય અને એનાથી પણ મહત્વનું કે દલિત આંદોલનમાં 2016 પછી જે કોંગ્રેસી પડછાયો મંડરાઈ રહ્યો છે તેને દૂર ધકેલવો અત્યંત આવશ્યક થઈ ચુકેલો જેના કારણે તેનો પ્રતિકાર કરવો જ રહ્યો.
કાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયથી લગભગ 7 ; 00 પછી સીએમ અશોક ગેહલોતનો કોનવે તેની મુખ્યમંત્રીની સુરક્ષા મંડળી સાથે નીકળ્યો ને તરત જ સુરેશ આગજા,જગદીશ પંચાલ અને આ લખનાર હેમંત પરમાર પોતે “જયભીમ જયભીમ અને અશોક ગેહલોત ગો બેક”ના નારા સાથે ગહેલોતના કોનવેને રોકી વચ્ચે આવી ગયા જેમાં બીજી ટીમમાંથી 72 વર્ષના નિરંજન ઘોષ સાહેબ,રાકેશ મહેરિયા અને કમલ સોનારા પણ સાથે હતા.એ કાળા વાવટા જોતાંની સાથે જ કોંગ્રેસના હાજર સવર્ણ કાર્યકરોએ મને અને સુરેશ આગજાને છુટ્ટાહાથનો માર માર્યો ત્યાં સુધી પોલીસ અમારા થી દુર હતી પણ વધુ કોંગ્રેસી કાર્યકરોએ અમને ઘેરી લેતા તરત જ સ્થળ પર હિલચાલ ઝડપી બની હતી અને આ અલોકતાંત્રિક વિચારધારા વાળા કોંગીઓથી અમને છોડાવવા પોલીસને પણ ભારે ઝહેમત ઉઠાવવી પડી હતી અને અંતે કોંગીઓની લાતો અને ફેંટોથી પોલીસ અમને છોડાવી એલિસબ્રિઝ પોલીસ સ્ટેશન લઈ ગઈ જ્યાં અમને તાત્કાલિક છોડાવવા એડ.નરેન્દ્ર સોલંકી,એડ.ગોવિંદભાઇ પરમાર,એડ.પ્રતીક રૂપાલા,યશ મકવાણા,કમલેશ કટારીયા,ચિરાગ પટેલ,જીતુભાઇ ખરા,ગૌતમ પરમાર,હસમુખ ભાઈ,પ્રકાશભાઈ તથા બીજા અન્ય આગેવાનો તરતજ પહોંચી અમને રાત્રીના 12 ;00 કલાકે છોડાવ્યા તે તમામનો આભાર.
અંતે ગુજરાતનું દલિત આંદોલન કાલે પણ સ્વતંત્ર હતું આજે પણ સ્વતંત્ર છે અને કાલે પણ સ્વતંત્ર રહેશે તે આ સમાજના અધિકારો માટે ક્યારેય કોઈ પાર્ટી સાથે સમાધાન નહિ કરે.
ઈંકલાબ ઝીંદાબાદ
જય ભીમ
હેમંત પરમાર