મારો અવાજ,
ગામથી થોડે છેટે ને ચેડે ચોકડિયું. વઢિયારી ભાષામાં એને ‘ભેળા’ કેવાય. આમ તો ગામની તઈણે બાજુ તળાવ. પણ, ટાઢી હાતમ આવે એટલે આપણને ચોકડીયું હાંભરે. ખબર નઈ, ચેવી મજા હતી ચોકડિયુની.
એ જમાનામાં ઘેર પાણીના નળ નઈ એટલે બા તેડીને લઈ જાય ચોકડિયુમાં. ધીમો વરહારો હોય ને ટાઢુ હેમ જેવું વાતાવરણ હોય. ભાઈ ભાઈ.. મોજ હો. બા ચોકડિયુને કીનારે લૂગડાં ધોકાવતી જાય. અમે કીનારે કુદાકુદ કરીયે. ગારો આખા ડીલે ચોંટે. એને ખંખેરવાની જહેમત કોણ ઉઠાવે? પણ, રણકાંઠે વસતાં ગામડાના લોકોને પાણી એટલે ઉજાણી!
બા જ્યારે બાબાશૂટ પેરાવે તાણે તો ધનવાન હોવાની અનુભુતિ થતી. ટાઢી હાતમ જોડે જોડે બાબાશૂટ એવું તો વણાઈ ગયું છે કે ના પૂછો વાત. આખા આયખાનો આનંદ બાબાશૂટની ભેગો. એ બાબાશૂટ અતીતને ઓવારે રહી ગયુ. આજેય ચોકડિયુ છે પણ, એનું પાણી ઉજાણીનું સાથી નથી બની શકતું. એ પડ્યું રહે છે. એ મારા જેવાં ભૂલકાંની પ્રતીક્ષા કરે છે જે એનો કાંઠો કાદવથી ભરી દે.
ને, એક આંટો શીતળામાની દેરી પાહે. તળાવની પાળે જ શીતળામાની દેરી. અમારા વઢિયાર મલકમાં શીતળામાનું મોટું મંદિર જાખેલ ગામે. આજે ત્યાં મોટો મેળો ભરાય. હમીરમામા એનું સંચાલન કરે. મારા ગામમાં મે એવા વડીલો જોયેલા, જેમને શીતળાનો રોગ થાય, મોઢા પર ચાઠાં ચાઠાં થઈ જાય. આજે આખું ગામ શીતળામાની દેરીએ જાય, પૂજા – પ્રાર્થના કરે. બેનો પાળે બેસીને શીતળામાની વાર્તા માંડે. ગીતો ગાય. આનંદ કિલ્લોલ કરે.
દહીં-ઠોબરો આજેય બને છે.(ઝાર કર્યા વગર એને ખવાય નહિ) રાંધણ છઠ્ઠની તીખી પુરીઓની સુગંધ આજેય અકબંધ છે. મેથીના થેપલાં પણ છે ને સુખડી-વડાં પણ. જે ખોવાયું છે એ છે નિર્દોષ શૈશવ. વઢિયારની ઉગેલી વનરાઈ – વેલામાં, સાપ કે ઝેરી જીવજંતુના ડર વગર નિર્ભય બનીને કંકોડા વીણવાની એ મસ્તી ખોવાઈ છે. હડકાયાં બાવળના કાંટા આજેય મને પ્રિય છે પણ, હવે એ કાંટો હાથમા આવ્યાને વર્ષોના વહાણા વાયા છે. બસ, એક કાંટો મારા હૈયે કાયમ લઈને ફરુ છું જે મને આ સૂકા મલકની વાતો લખાવે રાખે છે.
– શૈલેષ પંચાલ.