મારો અવાજ,
આ વર્ષે ગુજરાતમાં 2 વર્ષ બાદ સીઝનનો 1૦૦% વરસાદ નોંધાયો છે. આ વર્ષે ચોમાસાનો (monsoon 2022) વરસાદ ગુજરાતમાં મન મૂકીને વરસ્યો છે. અત્યાર સુધીમાં સરેરાશ 34 ઈંચ વરસાદ નોંધાયો છે. રીજીયન પ્રમાણે કચ્છમાં સૌથી વધુ 155.36% વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 107.47% વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં 108.31% વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં 90% વરસાદ વરસ્યો છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં 100% ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદી નોંધાવાની શક્યતા રહેલી છે.
રાજ્યમાં ત્રણ ઝોનમાં 100%થી વધુ વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ 155.36% વરસાદ કચ્છમાં વરસ્યો છે. બીજી તરફ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં 100% થી વધુ, જ્યારે મધ્યમાં સીઝનનો 82.28 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 તાલુકામાં 2 ઈંચથી 8 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે 148 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 2-3 દિવસમાં અનેક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ હજુ વરસાદી માહોલ જોવા મળશે. જેમા સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.