મારો અવાજ,
હવામાન વિભાગે આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવે હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ કલાકમાં અમદાવાદ ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
હવામાન ખાતાની આગાહી મુજબ હાલ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઇ ગયા છે. જ્યારે અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ છવાઇ ગયો છે. અચાનક જ વિજળી કડાકા સાથે વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. અમદાવાદના પ્રહ્લાદ નગર, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, શ્યામલ, વસ્ત્રાપુર, ગુરૂકુળ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઇ ગયો છે..
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 100.98 ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં 42.35 ટકા વરસાદ નોંધાયો હતો. આ વર્ષે હજુપણ મેઘમહેર યથાવત છે. ત્યારે વહેલી સવાર સુરત, નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ 86 લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં 82 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં એટલે કે 95 ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે.
ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત આહવા તળેટી વિસ્તારમાં ભારે ગાજવીજ અને વાવાઝોડા સાથે તૂટી પડેલા ધોધમાર વરસાદને પગલે તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા અંતરિયાળના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો ગયો છે.
સાપુતારા સહિત આહવાના તળેટી વિસ્તારોમાં આવેલા સોનગીર, ઉમરપાડા, ભાંદા, વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડું ફૂંકાતા અનેક તોતિંગ વૃક્ષો ધરાશાયી થતા વીજ પોલ તૂટી જતા અંતરીયાળ વિસ્તારના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ભાંદા ગામ પાસે વીજ પોલ તૂટી જતા માર્ગ અવરોધાયો હતો. ભારે વરસાદને પગલે ખાપરી નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. જોકે વાવાઝોડાને પગલે કોઈ જાનહાની કે ઘરોને નુકસાની ના અહેવાલ સાંપડી શક્યા નહતા.પાછોતરા વરસાદ ને પગલે ખેતી પાકો ને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.