મારો અવાજ,
સમગ્ર ગુજરાતમાં તમામ કર્મચારી વર્ગ અત્યારે સરકારશ્રી સામે પોતાની માંગણીઓ અને પડતર પ્રશ્નો અંગે લડતનાં મંડાણ કરી ચૂક્યાં છે ત્યારે ગુજરાતભરની આંગણવાડીની કાર્યકર બહેનો અને તેડાગર બહેનો પણ પોતાની વેદના વ્યક્ત કરી રહી છે.
સદર લડતના ભાગરૂપે ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાની બહેનો પણ સરકારશ્રી સામે બાંયો ચડાવી રહી છે. છેલ્લાં દસેક દિવસથી તાલુકાની ૨૦૦ થી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંગણવાડી કેન્દ્રોને તાળાં મારી તાલુકા મથકે ધરણા સહિતના જલદ કાર્યક્રમો આપી રહી છે. તેઓની વિવિધ માંગણીઓ પૈકી મુખ્ય બાબતો આ મુજબ છે ….
નજીવા માનદ વેતનને સ્થાને લઘુત્તમ મહેનતાણું માસિક રૂપિયા અઢાર હજાર થી વીસ હજાર મળવું જોઈએ.
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે સરકારી કર્મચારીનો દરજ્જો જાહેર કરવો જોઈએ.
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને પણ નિવૃત્તિ બાદ અન્ય સરકારી કર્મચારીની જેમ સરકારી લાભ મળવાપાત્ર છે.
મુખ્ય સેવિકા અને તેડાગરની ભરતીમાં મહત્વતમ વયમર્યાદા દૂર કરવી જોઈએ.
આંગણવાડીની બહેનોને ધારાધોરણ મુજબ નિયત કરેલ કામગીરી સિવાયની વધારાની જવાબદારીઓ અને બળજબરીપૂર્વકની કાર્યસોંપણી બંધ કરવી જોઈએ.
વિવિધ પત્રકોમાં લેખિત સંગ્રહિત માહિતી પૂરી પાડવામાં આવે જ છે તો મોબાઈલ એપ્લિકેશનમાં લેશન કરવાની પ્રક્રિયાવિધિ બંધ કરવી જોઈએ.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું પાડતી કાર્યકર બહેનોને પણ પ્રાથમિક શિક્ષણ આપતી કાર્યકર બહેનોની સમકક્ષ તમામ લાભ-સુવિધા પૂરાં પાડવાં જોઈએ.
મીની આંગણવાડી બંધ કરી નિયત આંગણવાડીમાં તબદીલ કરવી જોઈએ.
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની આ લડતને આમ આદમી પાર્ટી – માણસા અનુમોદન આપતાં સરકારશ્રીની આ બેધારી નીતિઓ અને ઓરમાયા વર્તનને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારશ્રીને આ મુદ્દે સત્વરે ઘટતું કરી ન્યાય આપવા વિનંતી કરે છે એમ એક અખબારી યાદીમાં રાકેશ પ્રજાપતિ જણાવે છે.