ઉત્તર ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતાં અંબાજી મંદિર, વડનગર, પોળો ફોરેસ્ટ, દેવની મોરી, મોઢેરા સૂર્યમંદિર, સિદ્ધપુર અને તારંગા સહિતના પ્રવાસન સ્થળો પર દિવસ કરતાં રાત્રી રોકાણ કરતાં પ્રવાસીઓની સંખ્યા ઘણી ઓછી રહે છે.
પ્રવાસનને વેગ આપવાની સાથે ઉત્તર ગુજરાત સર્કિટ માટે એક એન્કર ડેસ્ટિનેશન બની રહે તે માટે રાજ્ય સરકાર ધરોઇ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા જઇ રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ રૂ.800થી 1000 કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે. પ્રોજેક્ટ 2 તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં રૂ.650 થી 700 કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. પ્રથમ પ્રોજેક્ટના 5 વર્ષ બાદ અંદાજીત રૂ.200 કરોડના ખર્ચના અંદાજ સાથે બીજા તબક્કાનું કામ હાથ ધરાશે.
ધરોઇ ડેમની આગળની બાજુ સાબરમતી નદીના બંને કિનારે રિવરફ્રન્ટ બનાવાશે. જ્યાં પ્રવાસીઓ વોકિંગ અને સાયકલિંગની મજા માણી શકશે. તેમજ નદીના નજારાને નિહાળવા આરામથી બેસી શકશે. પ્રવાસીઓને વોટરફ્રન્ટનો અનુભવ થાય તે માટે ધરોઈ ડેમના 3.5 કિલોમીટર નીચે બેરેજ બનાવાશે. બોટિંગ, સ્પીડબોટ અને વિવિધ વોટર સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ માટે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરિયા વિકસાવાશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નર્મદા ડેમ નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ હવે 142 મીટર ઊંચાઇનો ઓબ્ઝર્વેશન ડેક ધરોઇ ડેમ ખાતે આકાર પામશે. આ ડેક સાબરમતી નદીના કિનારે ઉભો કરાશે. 142 મીટરની ઊંચાઇથી પ્રવાસીઓ 360 ડિગ્રીના વ્યૂનો નજારો માણી શકશે. આ સાથે મનોરંજનની વિવિધ પ્રવૃતિઓમાં ઉપયોગી બની રહેશે.
ઉ.ગુ.ની પ્રવાસન સર્કિટ તૈયાર થશે…
ધરોઇથી 90 કિલોમીટરની ત્રિજ્યામાં એટલે કે દોઢ કલાકમાં પહોંચી શકાય તેવા સ્થળોને સાંકળતી પ્રવાસન સર્કિટ વિકાસ પામશે. જેમાં બાલારામ-અંબાજી વાઇલ્ડ લાઇફ અભયારણ્ય, માઉન્ટ આબુ, પાટણ રાણકી વાવ, મોઢેરા સૂર્યમંદિર, ગાંધીનગર, અમદાવાદ, અંબાજી, પાલનપુર, માતૃગયા તીર્થ સિદ્ધપુર, તારંગા હિલ્સ, વડનગર, મહેસાણા, વિજાપુર, મહુડી તીર્થ, પોળો ફોરેસ્ટ, દેવની મોરી, હિંમતનગર વગેરે સ્થળોનો સમાવેશ થાય છે.
સાબરમતી નદી કિનારે વિશ્વ કક્ષાનો બોટનિકલ ગાર્ડન તૈયાર કરાશે…
ડેમમાં આવેલા આઇલેન્ડ્સ (ટાપુઓ) પર એડવેન્ચર રાઇડ્સ, આઇલેન્ડ હોપિંગ અને બોટિંગની સુવિધાઓ તૈયાર કરાશે. વોટરથીમ આધારિત ગેલેરી તૈયાર કરાશે, જે ઉદ્યાનો સાથે સાંસ્કૃતિક ઇતિહાસ અને પાણીના વિવિધ પાસાઓનું પ્રદર્શન કરશે. વિવિધ સાઇટ્સ સુધી પહોંચવા માટે સાયકલિંગ નેટવર્ક, ઈ-વ્હીકલ નેટવર્ક સાથે વિવિધ રસ્તાઓ વિકસાવાશે.
લેસર શો સાથે વિશાળ એમ્ફી થિયેટર પણ હશે
ડેમ નજીક નદી કિનારે 1500 લોકોની ક્ષમતાવાળા લેસર શો સાથે વિશાળ એમ્ફી થિયેટર વિકસાવાશે. જેમાં પ્રદેશના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રદર્શિત કરાશે. પ્રવાસીઓના રહેવા અને જમવા માટે પીપીપી ધોરણે હોટલ, રિસોર્ટ, કારવાં પાર્ક, કેમ્પિંગ ગ્રાઉન્ડ અને ગેસ્ટ હાઉસની સુવિધા અપાશે. રેસ્ટોરાં, કાફે, સુવિનિયર શોપ્સ, જાહેર સુવિધાઓ સાથે હાઈસ્ટ્રીટ વિકસાવાશે. જે પ્રવાસીઓને સ્થાનિક આર્કિટેક્ચરનો સાર પ્રદાન કરશે.