મારો અવાજ,
આજની માતાજીની આરાધનાના મહાપર્વનો પ્રારંભ થયો છે. નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે. નવરાત્રીના પહેલા જ દિવસે વરસાદ વરસતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે, તો આયોજકોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.
નવરાત્રીના પહેલા નોરતે જ અમદાવાદ, વડોદરા, સુરત, અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદની વાત કરીએ તો પહેલા જ નોરતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના હાટકેશ્વર, ખોખરા, મણિનગર, અમરાઈવાડીમાં વરસાદ ખાબક્યો છે. સાથે સુરત શહેર અને બારડોલીમાં હળવા ઝાપટા પડ્યા છે. વડોદરાના ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરામાં વરસાદ પડ્યો. આજે પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
હાલની આગાહી મુજબ નવરાત્રીમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. નવરાત્રીના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે.
અંબાલાલની આગાહી મુજબ, ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપાની શક્યતા સેવાઇ છે.26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે જે બાદ 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
અંબાલાલે વધુમાં જણાવ્યું કે, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. 23 થી 25 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.