મારો અવાજ,
નવરાત્રી પૂર્ણ થતા જ રાજ્યના અનેક વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ
નવરાત્રી પૂર્ણ થતા જ રાજ્યમાં જાણે કે વરસાદી માહોલ જામ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી અમીછાંટણાં થયા છે. આજે જ્યાં અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે તો બીજી બાજુ વડોદરા અને અરવલ્લીના પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ઘણી જગ્યાઓએ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. મળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદ થયો છે. પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, નરોડા, રબારી કોલોની, વટવા, અસારવા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
વડોદરામાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા બાદ સાંજે સાડા પાંચ પછી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વીજળીના કડાકા ધડાકા સાથે પડેલા વરસાદને કારણે લોકો અટવાઈ ગયા હતા. નવરાત્રી પૂર્ણ થયા બાદ વરસાદ પડતા ખેલૈયાઓની સાથે આયોજકો લોકો પણ ખુશ થયા હતા.
દશેરા બાદ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુરુવારે સાંજના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા બાદ પવન ફૂંકાયો હતો અને ભિલોડા મેઘરજ તેમજ મોડાસા પંથક વરસાદ પડ્યો હતો. એક તરફ ચોમાસાની વિદાય થઈ છે. તેવા સમયે અચાનક પલટાયેલા વાતાવરણથી લોકોમાં ચિંતા પ્રસરી છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે ખેતરોમાં હાલ મગફળી કાઢવાની કામગીરી ચાલુ હોય વરસાદ થતો ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.