મારો અવાજ,
140 વર્ષ જૂના બ્રિજ પર જવા માટે રૂ 17ની ટિકિટ હતી ખાનગી એજન્સીની લાલચે લોકોના જીવ લીધા મોરબી: તાજેતરમાં જ રીનોવેશન બાદ ખુલ્લો મુકાયેલો ઝુલતો કેબલ બ્રિજ આજે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીના મચ્છુ નદી પર બનેલા બ્રિજ પર એક સાથે 500થી વધુ લોકો સાંજના સમયે આવી ગયા હતા. એવામાં 140થી પણ વધુ વર્ષ જૂનો બ્રિજ તૂટી જતા લોકો નદીમાં ખાબક્યા હતા. ત્યારે સવાલ થાય છે કે વધુમાં વધુ 60-70 લોકો એક સાથે જઈ શકે તેવા બ્રિજ પર 500 લોકો શું કરી રહ્યા અને કેવી રીતે આટલી મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર પહોંચી ગયા?ઓરેવા કંપનીને બ્રિજની કામગીરી સોંપાઈ હતી.
મોરબીના આ ઐતિહાસિક ઝુલતા બ્રિજને ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધી બ્રિજનું મેઈન્ટેનન્સ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતું હતું. બાદમાં કોર્પોરેશને ઓરેવા કંપનીને બ્રિજ ચાલુ રાખવા અને મેઈન્ટેનન્સનું ટેન્ડર ફાળવી દીધું હતું. જોકે રૂ.2 કરોડના ખર્ચે બ્રિજનું રિનોવેશન થયા બાદ 12 વર્ષથી મોટા વ્યક્તિઓ માટે રૂ.17 ટિકિટ ચાર્જ વસૂલાતો હતો. જ્યારે 12 વર્ષથી નાના બાળકો માટે રૂ.12નો ટિકિટ ચાર્જ વસૂલાતો હતો.બ્રિજ જ્યારે કોર્પોરેશનના હસ્તક હતો ત્યારે દિવસની માત્ર 50 જેટલી ટિકિટ આપવામાં આવતી. જ્યારે આજે દુર્ઘટના સમયે બ્રિજ પર 400થી વધુ લોકો હાજર હતા. એવામાં સૂત્રો મુજબ રવિવારની રજામાં વધુ કમાણી કરવાની લાલચે ઓરેવા કંપની દ્વારા એક જ દિવસમાં 500 જેટલી ટિકિટ આપી દેવામાં આવી. જેના કારણે બ્રિજ પર ભીડ થઈ ગઈ અને વજન વધતા જ તે તૂટી પડ્યો.બ્રિજ શરૂ થઈ ગયો અને નગરપાલિકાને જાણ જ નહોતી. આ સમગ્ર મામલે નગરપાલિકા અને ખાનલી ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી રહી છે.
નગરપાલિતાના ચીફ ઓફિસર દુર્ઘટના બાદ કહ્યું કે, સ્થાનિક તંત્ર કે પાલિકાને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ બ્રિજનું ઇન્સપેક્શન પણ કરવામાં આવ્યું નહોતું. આ અંગેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આ ટ્રસ્ટ પાસે નહોતું. જોકે ચાર દિવસથી બ્રિજ શરૂ થઈ ગયો હોવા છતાં પાલિકાને તેની ખબર જ ન હોય આ વાત ગળે ઉતરે એમ નથી.
