મારો અવાજ,
વિશ્રામગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાધિકારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એકહથ્થુ અધિકારો ભોગવશે નહીં અને આવા રહેણાંકના ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેશે. પરંતું કોઇપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણાં)નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહીં. સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેમાં રાજકીય પક્ષોના સભ્યોની પ્રાસંગિક મીટીંગ (Casual Meeting) ને પણ મંજુરી આપી શકાશે નહીં.
ચૂંટણી પ્રચારમાં આવેલાં જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા-લઇ જતાં વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ આ માટે એક કરતાં વધારે વાહનોનો ઉપયોગ કરતાં હોય તો તેઓ બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેના કંપાઉન્ડમાં રાખી શકાશે નહીં.
કોઇ એક જ વ્યક્તિને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં. તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતાં કોઇપણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલાં વિશ્રામગૃહ/અતિથિગૃહ વિગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની (Z Scale) કે જે તે રાજયના કાયદાની જોગવાઇ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવેલી હોય તેમને રાજય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્ર સરકાર અગર રાજય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે. પરંતું, ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરીક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. જો કે રાજકીય પદાધિકારીઓ વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઇપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ હાથ ધરી શકશે નહીં. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.