મારો અવાજ,
ભ્રષ્ટ લોકો દેશનો વિનાશ કરી રહ્યા છે અને પૈસાની મદદથી છૂટી પણ જાય છે, એમ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી. એલ્ગાર પરિષદ કેસમાં આરોપી કાર્યકર્તા ગૌતમ નવલખાએ અદાલતી કસ્ટડીને બદલે નજરકેદમાં રોકવાની કરેલી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
નવલખાની અરજીનો વિરોધ કરીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી વતી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નવલખા જેવા લોકો દેશનો વિનાશ કરવા ઈચ્છે છે. તેમની વિચારધારા જ એ પ્રકારની છે. તેઓ નિર્દોષ છે એવું નથી તેઓ હકીકતમાં યુદ્ધમાં સંડોવાયેલા છે.
ન્યા. જોસેફ અને ન્યા. ઋષિકેશરોયની બેન્ચે ટિપ્પણી કરી હતી કે તમારે જાણવું છે કે દેશનો વિનાશ કોણ કરી રહ્યું છે? જે ભ્રષ્ટ છે. તમે દરેક ઓફિસમાં જઈને જુઓ શુ થાય? ભ્રષ્ટ લોકો સામે કોણ પગલાં લે છે? અમે એવા લોકોનો વિડિઓ જોયો છે. જેઓ આપણા કહેવાતા જનપ્રતિનિધિઓ ખરીદવા કરોડો રૂપિયાની વાત કરે છે. આપણે આંખો મીંચી ન રાખીયે તો શુ આપણે કહી શકીયે કે તેઓ દેશ વિરુદ્ધ કઈ નથી કરી રહ્યા? મુદ્દો એટલો જ છે કે તમે તેમનો બચાવ નથી કરતા પણ તેઓ બિન્દાસ્ત રહે છે..