મારો અવાજ,
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંગ્રામમાં અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં પરિવારનો વિવાદ સામે આવ્યો છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર BTPના અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના જ પિતાની ટિકિટ પર પોતાનું નામ જાહેર કરી દેતા પરિવારનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. હવે આ બેઠક પરથી પિતા અને બે પુત્ર દ્વારા ઉમેદવારી નોંધાવી છે. ભરૂચની ઝઘડિયા બેઠક પર પિતા-પુત્ર વચ્ચેના જંગમાં આજે પિતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુ વસાવાનું ફોર્મ પુત્ર કિશોર વસાવાએ ભર્યુ છે. જ્યારે બીજી બાજુ છોટુભાઇના પુત્ર મહેશ વસાવાએ બીટીપી તરફથી ફોર્મ ભર્યુ છે. જ્યારે દિલીપ વસાવાએ અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે.
આ ચૂંટણીમાં તમામ લોકોની નજર પિતા-પુત્રો વચ્ચેની જંગ પર જરૂર રહેશે. લોકોમાં ચર્ચા એ પણ છે કે, પરિવારનાં આ ઝઘડામાં ભાજપને ફાયદો ન થઇ જાય. નોંધનીય છે કે, છોટુભાઇ વસાવાએ રવિવારે એક ટ્વિટથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. છોટુભાઇ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. તેમણે BTP અને BTTSના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માહિતી આપી હતી. મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના થતાં હોવાના આક્ષેપો પણ છે. નોંધનીય છે કે, દિલીપ વસાવા BTP અને BTTSના ગુજરાતના મહાસચિવ હતા.