(માહિતી બ્યુરો-પાટણ )
કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની તારીખો જાહેર થયા બાદ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. મતદારોને મતદાન અંગે જાગૃત કરવાથી લઈને , કાયદો અને વ્યવસ્થા, અવસર કેમ્પેઈન, મતદાન મથકોની વગેરેની તૈયારીઓ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આજરોજ પાટણ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણીપંચ દ્વારા પાટણ જિલ્લાની ચૂંટણીની કામગીરી પર નિરીક્ષણ કરવા અર્થે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ જનરલ ઓબઝર્વરશ્રીઓ પબ્રિતા રામ ખૌંડ, ભાસ્કર કટામ્નેની, ખર્ચ ઓબઝર્વરશ્રીઓ સુસાંતા મિશ્રા, તેમજ સર્વેશ સીંઘ અને પોલીસ ઓબઝર્વરશ્રી જન્મેજ્યા પી. કૈલાશ જિલ્લામાં પધાર્યા છે. તેથી આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી સહિત વિવિધ નોડલ ઓફિસર્સની સાથે તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી.
જિલ્લા સેવા સદન ખાતે જનરલ ઓબઝર્વરશ્રીઓ, તથા પોલીસ ઓબઝર્વરશ્રીઓ અને ખર્ચ ઓબઝર્વરશ્રીઓની અધ્યક્ષતામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી સહિત વિવિધ નોડલ ઓફિસર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટીએ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા ઓબઝર્વરશ્રીઓને પાટણની ભૌગોલિક સ્થિતી સહિત પાટણમાં હાલમાં ચૂંટણી દરમિયાન દરેક વિભાગો દ્વારા થઈ રહેલ કામગીરી અંગે અવગત કર્યા હતા. ઓબઝર્વરશ્રીઓએ વિવિધ નોડલ અધિકારીઓ પાસેથી તેઓ દ્વારા થઈ રહેલ કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી હતી. આજની બેઠકમાં મતદારોની સંખ્યા, મતદારયાદી, પોલીંગ સ્ટેશન, બૂથ પરની વ્યવસ્થા, મેનપાવર મેનેજમેન્ટ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી, અવસર કેમ્પેઈન, કમપ્લેઈન મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ અંતર્ગત થયેલ કામગીરી, એમ.સી.સી. તેમજ એમ.સી.એમ.સી કમીટી અંતર્ગત થતી કામગીરી, ઈ.વી.એમ. અંગેની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટ વગેરે જેવી તમામ બાબતોની જાણકારી ઓબઝર્વરશ્રીઓએ સંલગ્ન નોડલ ઓફિસર્સ પાસેથી મેળવી હતી અને જરૂરી સુચનો પણ કર્યા હતા.
ઓબઝર્વરશ્રી ભાસ્કર કટામ્નેનીએ નોડલ અધિકારીશ્રીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, પાટણ જિલ્લાની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થાયે તે માટે સૌ ઓબઝર્વરશ્રીઓ અહી આવ્યા છે. તમામ નોડલ ઓફિસર્સને જે જવાબદારી મળી છે તે તેઓ સારી રીતે નિભાવે અને પાટણ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવે. ચૂંટણીલક્ષી કોઈ પણ મુંજવણ હોય તો નોડલ ઓફિસર્સ અને પાટણ જિલ્લાના લોકો પણ સીધો જ મારો સંપર્ક કરીને તેમની રજૂઆત કરી શકે છે. આવો સૌ સાથે મળીને લોકશાહીનો અવસર ઉજવીએ.
આજરોજ ઓબઝર્વરશ્રીઓ સાથેની બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ તેમજ વિવિધ નોડલ ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા હતા.