મારો અવાજ,
સિંગાપુરમાં સોમવારે રાષ્ટ્રીય જનતા દળ સુપ્રીમો લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન સફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવની પુત્રી રોહિણીએ પિતાને કિડની ડોનેટ કરી છે. રાજદ સુપ્રીમો પહેલા તેમની પુત્રીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. લાલુ યાદવના નાના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી.
તેજસ્વી યાદવે ટવીટ કરીને જણાવ્યું કે, તેમના પિતા લાલુ યાદવનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન થયા બાદ તેમને ઓપરેશન થિયેટરથી આઈસીયુમાં શિફટ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમના પિતા લાલુ યાદવ અને ડોનર બહેન રોહિણીની તબિયત સુધારા પર છે. આ સાથે જ તેમણે લોકોને તેમની પ્રાથનાઓ માટે આભાર માન્યો હતો. તેમનું ઓપરેશન સિંગાપુરના માઉન્ટ એલિઝાબેથ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લાલુ યાદવની સાત પુત્રીઓ અને બે પુત્રોમાં રોહિણી બીજા નંબરની પુત્રી છે. હોસ્પિટલ જતા પહેલા પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા રોહિણીએ કહ્યું હતું કે, જનતાની સેવા માટે તેના પિતા લાલુ યાદવનું સ્વસ્થ થવું જરૂરી છે અને તે કારણથી જ તેણે આ સાહસિક નિર્ણય લીધો છે. તેણે વધુમાં જણાવ્યં હતું કે, તેણે ઈશ્વરને નથી જોયા પણ ઈશ્વરના રૂપમાં પોતાના પિતાને
જોયા છે. રોહિણીના ઓપરેશન પહેલા તેના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ઓપરેશન પહેલા તેની કિડની ૯૦-૯૫ ટકા કામ કરી રહી હતી, જયારે તેના પિતા લાલુ યાદવની કિડની ૨૮ ટકા કામ કરી હતી.
ટ્રાન્સપ્લાન્ટ બાદ લાલુ યાદવની કિડની ૭૦ ટકા કામ કરવા લાગશે, જે આરોગ્યની દ્રષ્ટિીએ યોગ્ય માનવામાં આવે છે. લાલુ યાદવના પત્ની રાબડી દેવી અને તેમની મોટી પુત્રી મિસા ભારતી પહેલાથી જ સિંગાપુરમાં છે.