જીતોડા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ચાણસ્મા પોલીસ દ્વારા ભેદ ઉકેલાયો..
ચોરીમાં ગયેલા રૂ.૧.૯૫ લાખની કિંમતના ૨૧ તોલા સોનાના દાગીના રીકવર કરી એક શખ્સ ની અટકાયત કરી..
પાટણ તા.૧૩
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બનેલાં ઘર ફોડ ચોરીના બનાવોને ઉકેલવા જિલ્લા પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચના અનુસાર ચાણસ્મા પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવી તાજેતરમાં ચાણસ્મા તાલુકાના જિતોડા ગામે થયેલી ધરફોડ ચોરીના બનાવોને ઉકેલી ચોરીમાં ગયેલા સોના દાગીના રિકવર કરી એક શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા મિલકત વિરૂધ્ધના બનતા ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના આધારે ના.પો.અધિ.ડી.ડી ચૌધરી રાધનપુરનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ચાણસ્મા પો.સ્ટેમાં દાખલ થયેલ ધરફોડ ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જે દરમિયાન શકદાર રમેશભાઇ મોહનભાઇ નથુભાઇ પટેલ ઉ.વ.૫૩ રહે જીતોડા તા.ચાણસ્માવાળાને પકડી તેની ઝીણવટ ભરી રીતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં શકદાર રમેશભાઇ નાઓએ ઉપરોક્ત ધરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરતા અને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાના ૨૧ તોલા દાગીના સહિત નો તમામ મુદ્દામાલ રીકવર કરી આગળની વધુ તપાસ ચાણસ્મા પીઆઈ આર.એમ.વસાવા દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પોલીસ દ્વારા રિકવરી કરાયેલ
મુદ્દામાલ માં ગળામાં પહેરવાનો સોનાનો સેટ પાંચ તોલાનો આશરે કિ.રૂ.૪૫,૦૦૦, ગળામાં પહેરવાનો સોનાનો સેટ સાડા ચાર તોલાનો કિ.રૂ.આશરે ૪૦,૦૦૦,સોનાની ચાર બંગડી પાંચ તોલાની કિ રૂ. આશરે.૪૫,૦૦૦, બે જોડી કાનમાં પહેરવાની સોનાની બુટી એક તોલાની કિ.રૂ.આશરે ૧૦,૦૦૦,
સોનાની કાનની શેરો આશરે એક તોલાની કિ.રૂ.આશરે ૧૦,૦૦૦,સોનાની ચેઇન પેન્ડલ સાથેની આશરે પોણા ત્રણ તોલાની આશરે કિ.રૂ.૨૫,૦૦૦,સોનાની વીંટી નંગ-૦૨ આશરે એક તોલાની કિ.રૂ.આશરે ૧૦,૦૦૦,
સોનાની બુટ્ટી એક જોડ આશરે એક તોલાની કિ.રૂ.આશરે ૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૯૫,૦૦૦/-નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો છે.