ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગણિત-વિજ્ઞાાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન આજ રોજ સ્વામિનારાયણ હાઈસ્કૂલ, બાલવાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર અને સુંદરમ્ શાળા વિકાસ સંકુલ-કલોલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ વિજ્ઞાન મેળામાં કલોલ તાલુકાની ૩૮ શાળાના ૯૮ બાળ વૈજ્ઞાાનિકોએ ભાગ લીધો હતો.
*”રમકડાં અને ટેકનોલોજી”* વિષયના મુખ્ય ઉદ્દેશ પર આધારિત કૃતિઓમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ/નાવીન્ય, ઈકો ફ્રેન્ડલી સામગ્રી, પર્યાવરણ સંબંધી ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નાવીન્ય, વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ તેમજ આપણા માટે ગણિત જેવા વિષય મુખ્ય હતાં.
સદર પ્રદર્શનના અધ્યક્ષ તરીકે ગામના જ બિનનિવાસી ભારતીય નાગરિક એવાં અ. સૌ. શારદાબેન મૂળજીભાઈ ચૌધરી અને દીપ પ્રાગટય વિધિના મહાનુભાવ તરીકે ગામના બિનનિવાસી ભારતીય એવા અ. સૌ. કમુબેન જસવંતભાઈ ચૌધરી તથા અતિથિ વિશેષ તરીકે ગામના બિનનિવાસી ભારતીય એવાં અ. સૌ. કાન્તાબેન રણછોડભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યાં હતાં.
પ્રદર્શનના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભગવાનભાઈ પ્રજાપતિ અને ઉદઘાટક તરીકે પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-ગાંધીનગર ડૉ. હિતેષભાઈ દવેની અભિપ્રેરક ઉપસ્થિતિ નોંધનીય રહી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી પી. એસ. ચૌધરી અને સારસ્વત મિત્રો ખડેપગે સેવારત રહ્યાં હતાં એમ એક અખબારી યાદીમાં કલોલ તાલુકા આચાર્ય સંઘના પ્રમુખશ્રી ભાવેશભાઈ જોષી જણાવે છે.