ભીમા નદીનાં કિનારે વસેલું નાનકડું ‘કોરેગાવ’ નામનું ગામ. આ ગામની ધરતી બહુજન અસ્મિતાની ઐતિહાસીક ખુમારીથી નવપલ્લિત છે. આ ગામ સાથે બહુજન ઈતિહાસનો અદ્વિતીય તબક્કો જોડાયેલો છે.
આજથી ૨૦૨ વર્ષ પહેલા ૧ જાન્યુઆરી,૧૮૧૮ના દિવસે આ નાનકડા ગામની નદીના તટે એક ઐતિહાસિક યુદ્ધ થયું હતું. આ યુદ્ધ તેના ઈતિહાસ, વિરતા અને “સમાનતાનાં યુદ્ધ” માટે વિશ્વ વિખ્યાત છે.
૧૭મી સદીના પૂર્વાર્ધમાં મહારાષ્ટ્રમાં મરાઠા શાસનનો ઉદય થયો. રાજવી છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી મુળે “દેશસ્થ બ્રાહ્મણ” એવા પેશ્વાઓનું રાજ આવ્યું.
પેશ્વાઓ એટલે નખશીશ રૂઢિચુસ્ત, તેમના રાજમાં હિંદુ ધર્મના નિયમો વધુ કઠિન બન્યા, અસ્પૃશ્યો અને ત્યાંની પછાત પ્રજા પર કઠોર નિયમો અને દંડવિધાનો લાગું કરવામાં આવ્યા. અસ્પૃશ્યો પર ગુલામો અને પશુઓ કરતાં પણ વધુ નિયંત્રણો લગાવવામાં આવ્યા, જેમકે થૂંકવા માટે ગળામાં “કુલડી”, તેમના પગના નિશાન ભુસાય જાય એ માટે પીઠ પાછળ “ઝાડું”, કોઈ સવર્ણ નિકળે ત્યારે નીચે બેસી જવાનું જેથી તેમનો પડછાયો ટુંકો થઈ જાય અને સવર્ણ તેનાથી બચી જાય. આમ પેશ્વાના સમયમાં અછુતોની હાલત ગુલામોના ગુલામ જેવી હતી.
આ અન્યાય, ઉપેક્ષા અને દબાણોએ અસ્પૃશ્યોની અંદર વિદ્રોહ અને બદલાની ભાવના જગાવી હતી.
અંગ્રેજોએ ભારતમાં ઘણાં સામાજિક સુધારાઓ કર્યા હતાં. શિક્ષણનું સાર્વજનિકરણ અને સૈન્યમાં અછુતોની ભરતી તેમાં નોંધપાત્ર હતાં.
દેખાવે શ્યામ વર્ણા, ઉંચા અને મજબુત બાંધાના “મહાર” અસ્પૃશ્ય જાતીના લોકોની અંગ્રેજોએ સૈન્યમાં ભરતી કરી હતી. મહાર સૈનિકો પ્લાસીના યુદ્ધ (ઈ.સ.૧૭૫૭) થી પોતાની શૌર્યતા દર્શાવતા રહ્યા હતા.
એંગ્લો-મરાઠા વિગ્રહના ત્રીજા યુદ્ધમાં “પેશ્વા બાજીરાવ-ર(બીજા)”ની ૨૮,૦૦૦ની સેના સામે, અંગ્રેજોની સેનામાં ” કેપ્ટન ફ્રાન્સિસ સ્ટાંઉન્ટન”ના વડપણ હેઠળ હજારો વર્ષોના અન્યાય, અત્યાચાર અને ઉપેક્ષાના બદલાનો “લાવા”જેના શરીરમાં લોહીની જેમ વહેતો હતો એવા ૫૦૦ ” મરણીયા-મહાર” હતાં.
આ ૫૦૦ મહારોની તલવારો પર જાણે એના હજારો વર્ષોના સંઘર્ષની ધાર આવી હોય એમ ૨૮,૦૦૦ પેશ્વાઓને હરાવીને પોતાનો બદલો લીધો. આવું અસીમ શૌર્ય-સાહસ “ન ભૂતો ન ભવિષ્યતિ” હતું.
ભીમા કોરેગાંવની લડાઈને “ભારતનું થર્મોપાઈલી” કહેવાય છે.(થર્મોપાઈલી યુદ્ધ ઈ.સ.પુર્વેની ચોથી સદીમાં ગ્રીકમાં “લીયોનાઈડસ” ના ૫,૦૦૦ સૈનિકોએ પર્સિયાના ૨૬ લાખ સૈનિકોની સેનાને હરાવી હતી.)
આ સ્થળે મહાર સૈનિકોના સન્માનમાં અંગ્રેજોએ “વિજય સ્તંભ” ઉભો કર્યો હતો.
આ યુદ્ધ માત્ર યુદ્ધ ના રહેતા, કરોડો અસ્પૃશ્યો અને પછાતો માટે સમાનતાનો પર્યાય અને શૌર્યનું ઉર્જા સ્થાન બની ગયું હતું.
*મહાર રેજીમેન્ટ*
ભીમા-કોરેગાંવની ઐતિહાસિક લડાઈ પછી પણ કાઠિયાવાડ(૧૮૨૬), મુલતાન(૧૮૪૬) અને ૧૮૮૦ના બીજા અફઘાન યુદ્ધમાં પણ મહાર રેજીમેન્ટે પોતાની વીરતાનો પરચો બતાવ્યો હતો.
પણ ૧૮૯૨માં અંગ્રેજોએ મહારોને “લડાકુ જાતી”ના લિસ્ટમાંથી કાઢી અને સૈન્યમાં ભરતી બંધ કરી.
ગોપાલબાબા વળંગકર (જે નિવ્રુત્ત સૈનિક હતાં અને તેમણે અનાર્યોના પ્રશ્નો હલ કરવા માટે સંસ્થા સ્થાપી હતી), શિવરામ કાંબલે (જે ” ડિપ્રેસ્ડ ક્લાસ મીશન માટે કામ કરતાં હતાં) અને રામજી માલોજી સકપાલ (ડૉ.બાબાસાહેબના પિતાજી) દ્વારા ભીમા-કોરેગાંવ વિજય સ્મારકનો દાખલો દઈને મહારોને “લડાકુ જાતી” ધોષિત કરી સૈન્યમાં ભરતી માટે આવેદન આપ્યું. આમ, ૧૯૧૭માં ૧૧૧ મહારોની બનેલી મહાર રેજીમેન્ટ બની.
મહામાનવ, વિશ્વ વિભૂતિ, ભારતરત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, પરમ પુજનીય “ડૉ.બાબાસાહેબ આંબેડકરે” ૧ જાન્યુઆરી, ૧૯૨૭ના રોજ વિજય સ્તંભની મુલાકાત લઈ અને બ્રાહ્મણવાદ સામે લડવા હાકલ લગાવી હતી.
સાહસના આ સ્મારકે, દર વર્ષે ૧ જાન્યુઆરીના રોજ લાખો બહુજનો આ સ્તંભ પાસેથી ઉર્જા અને અન્યાય સામે લડવાની આશા મેળવવા આવે છે.
#નોંઘ:- આજે પણ આપણો આ ભવ્ય ઈતિહાસ છુપાવાય છે અને મનુવાદી મિડીયા દ્વારા પેશ્વાઓના ગુણગાન ગવાતી ફિલ્મો બનાવાય છે. ત્યારે આપણા સાચા ઈતિહાસને ઉજાગર કરતી અને કરોડો લોકો સુધી ઈતિહાસને પહોંચાડતી “ભીમા કોરેગાંવ” ફિલ્મ બનાવવા માટે “રમેશ થેલે”ને સેલ્યુટ સાથે જય_ભીમ..!!
–ડૉ.ભાવિન પરમાર 💙
સંદર્ભ:-
૧) ભારતનો ઈતિહાસ:- પ્રો. રમેશ પરીખ
૨) મરાઠા સામ્રાજ્ય:- યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ
૩)The History of koregaon memorial:- Shraddha Kumbhojakar
૪) History of Mahar Regiment:- John Fort.
૫) વિકિપીડિયા.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.