ચાઈનીઝ દોરી અને તુક્કલની સાથે સાથે નાયલોન દોરી પર લગાવવામાં આવતા કાચ સામે પણ ચોક્કસ પગલા લેવા અરજદારે રજૂઆત કરી હતી. રાજ્યની વડી અદાલતમાં આજે સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ અને હાઇકોર્ટે સરકાર પાસે ખુલાસો માગ્યો.
ઉત્તરાયણના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ તહેવાર દરમિયાન લોકોના અને પક્ષીઓના જીવને ધ્યાને રાખીને એક અરજી ગુજરાતની વડી અદાલતમાં કરવામાં આવી હતી. જેમાં ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે ચુસ્તપણે અમલ કરાવવાની માગ સાથે અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત ચાઈનીઝ દોરી અને તુક્કલની સાથે સાથે નાયલોન દોરી પર લગાવવામાં આવતા કાચ સામે પણ ચોક્કસ પગલા લેવા અરજદારે રજૂઆત કરી હતી. રાજ્યની વડી અદાલતમાં આજે સમગ્ર મામલે સુનાવણી હાથ ધરાઈ અને હાઇકોર્ટે સરકાર પાસે ખુલાસો માગ્યો. આ ઉપરાંત બે દિવસમાં એફિડેવિટ રજૂ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો
આ ઉપરાંત ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ તુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તથા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલાની માંગણી કરતી પિટિશનમાં કોર્ટે હુકમ કર્યો છે. હાઇકોર્ટ રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું કે, ચાઈનીઝ દોરી અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું માત્ર પૂરતું નથી. પરંતુ તેની અમલવારી કરાવવી પણ જરૂરી છે. ગુજરાત હાઇકોર્ટ કડક શબ્દોમાં કહ્યું કે ઘાતક દોરીના કારણે નાગરિકોનો મૃત્યુ થાય કે તેમને ઈજા થાય તે ચલાવી લેવાશે નહીં. સમગ્ર મામલે બે દિવસ બાદ એટલે કે 6 જાન્યુઆરીના રોજ વિગતવાર સુનવણી હાથ ધરાશે.
અગાઉ આજ મામલે ગ્રીન ટ્રીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી ચુક્યા છે અને આવા તમામ હાનિકારક ચીજ વસ્તુઓના વેચાણ સામે પ્રતિબંધ પણ લગાવી ચુક્યા છે જેના અમલ મામલે અરજીમાં વાત કરવામાં આવી હતી.
દોરી માણસો અને પશુપક્ષીઓ માટે પણ હાનિકારક
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં ઉતરાયણ પર્વની ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. તેવામાં દિવાળીના તહેવાર બાદ જ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં દોરી રંગવાનું અને પતંગોના વેચાણનું કામ પણ ચાલુ થઈ જતુ હોય છે. તેવા સંજોગોમાં નાયલોન દોરીને મજબુત બનાવવા માટે તેનાં કાચ ઉમેરવામાં આવે છે. જેના કારણે આવી દોરીઓ સામાન્ય માણસો અને પશુપક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. આજ મામલે અરજીમાં ટાંકવામાં આવ્યું છે કે દિવાળી બાદથી જ તંત્ર આવા તમામ લોકો પર નજર રાખે કે જેઓ ઉતરાયણ સંબંધિત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. જેના કારણે હાનિકારણ ચીજ વસ્તુઓ લોકો સુધી જતા અટકી શકે. તાજેતરમાં જ છેલ્લા બે દિવસમાં અમદાવાદના 15 વર્ષના બાળક જ્યારે રિવરફ્રન્ટ પર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને દોરી વાગવાની ઘટના અને સુરતના એક એડવોકેટને દોરી વાગવાની ઘટના પણ હાઇકોર્ટમાં ધ્યાને મૂકવામાં આવી.