પક્ષીઓને કતલખાને લઇ જવા સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. જેમાં એવી રજૂઆત કરાઈ છે કે, પક્ષીઓને કતલખાના કે મટન શોપ પર લઇ જઇ શકાય નહીં. કાયદા મુજબ મરઘાંઓ પણ પ્રાણીઓની કેટેગરીમાં આવે છે તેથી તેમને પણ મૂર્છિત અવસ્થામાં કતલખાને લાવવા જોઇએ. સરકારનું તેના પર કોઇ નિયત્રંણ નથી. ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે સરકાર, એનિમલ હસબન્ડરીના ડીરેકટર અને કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે.
એનિમલ વેલફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘે કરેલી અરજીમાં એવી દલીલ કરાઈ હતી કે, પોલ્ટ્રી ફાર્મમાંંથી મરઘાને જીવતા કતલખાનામાં લાવવામાં આવે છે. કાયદા મુજબ તેમને મૂર્છિત અવસ્થામાં લાવીને કતલ કરવી જોઇએ પરંતુ મરઘાંઓને જીવતાં જ કાપવામાં આવે છે. ખંડપીઠે એવો સવાલ કર્યો હતો કે, મરઘાંઓને પ્રાણીની કેટેગરીમાં કેવી રીતે ગણી શકાય? ચીકન સારું છે કે ખરાબ તેનો ભેદ કેવી રીતે પાડી શકાય?