ઉત્તર પ્રદેશમાં સ્થાનિક નગર પાલિકાની ચૂંટણીઓ ઓબીસી અનામત વગર જ યોજવાના અલ્લાહાબાદ હાઇકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નગર પાલિકાની ચૂંટણીને ત્રણ મહિના સુધી ટાળવાની પણ છૂટ આપી દીધી છે. આ ત્રણ મહિનાની અંદર ઓબીસી અનામત આયોગ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજુ કરશે. જે દરમિયાન કોઇ મોટો નીતિ આધારીત નિર્ણય નહીં લઇ શકાય.
ઉત્તર પ્રદેશમાં ઓબીસી અનામત વગર જ નગર પાલિકાની ચૂંટણી યોજવાના અલ્લાહાબાદ હાઇકોર્ટના આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. બુધવારે અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે પોતાના ચુકાદામાં (પોઇંટ-સી) અંગે આદેશ આપ્યા છે. જેના પર રોક લગાવવામાં આવે છે. કોર્ટે આ મામલે સંબંધીત પક્ષકારો પાસેથી ત્રણ સપ્તાહની અંદર જવાબ માગ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સરકારે ઓબીસી આયોગનું ગઠન કરી દીધુ છે. સ્થાનીક નગર પાલિકાની ચૂંટણી આ આયોગનો રિપોર્ટ સામે આવે તે બાદ જ કરાવવો જોઇએ.
હવે આ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ઓબીસી આયોગે અનામત લાગુ કરવા માટે નિયમોનુ પાલન કરવાનંુ રહેશે. જેના આધારે બાદમાં ઉત્તર પ્રદેશ નગર પાલિકાની ચંૂટણી યોજવામાં આવશે. એટલે કે આ ચૂંટણી ત્રણ મહિના માટે ટાળી દેવામાં આવી છે. જ્યારે હાઇકોર્ટે તાત્કાલીક ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો તેના પર સુપ્રીમ કોર્ટે હાલ રોક લગાવી દીધી છે. નિષ્ણાતો જણાવે છે કે હવે ઉત્તર પ્રદેશમાં નિયમ મુજબ જ ઓબીસી અનામત લાગુ થાય તે બાદ જ ચૂંટણી યોજવામાં આવશે. તેથી આ અનામત પ્રક્રિયાને ત્રણ મહિનામાં પૂર્ણ કરી લેવામાં આવી શકે છે.