ગુજરાત હાઇકોર્ટનો દાખલારૂપ ચુકાદો. કોર્ટે કહ્યું, દુષ્કર્મ-જાતીય શોષણ ભારતીય સમાજની એક કાળી વાસ્તવિકતા છે,
ગુજરાત હાઇકોર્ટનો એક અતિમહત્વનો સીમાચિહ્નરૂપ ચુકાદો સામે આવ્યો છે. 12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનારા પિતાની જામીન અરજીની સુનાવણી દરમિયાન અરજી રદ કરતા હાઈકોર્ટે પદ્મ પુરાણના શ્લોક ઉચ્ચાર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, દુષ્કર્મ-જાતીય શોષણ ભારતીય સમાજની એક કાળી વાસ્તવિકતા છે, જે સ્ત્રીના આત્માને બદબાદ કરી નાંખે છે. હાઇકોર્ટે કહ્યું કે, પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે.
12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનાર આરોપી પિતા ફકીરમમદ હુસેનભાઇ સુમભાનીયાની જામીન અરજી જસ્ટિસ સમીર જે. દવેએ ફગાવી હતી. સાથે જ જસ્ટિસે મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા આ પ્રકારે શરમસાર થાય છે ત્યારે કોઇપણ સંબંધમાં પવિત્રતા અને માન્યતાને ખતમ કરી નાંખે છે. એક પુત્રી તેના પિતા તરફથી રક્ષણની આશા રાખે છે, પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે વ્યક્તિ જે આઘાત અનુભવે છે તેનું વર્ણન કરવું અશક્ય છે.