ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવી રહેલા યુવક સામે ફરિયાદ નોંધાઈ.
ચાણક્યપુરી બ્રિજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં અજય કેશુભાઈ વાઘેલા સિંથેટીક દોરીથી પતંગ ચગાવી રહ્યો હોવાની બાતમી ઘાટલોડિયા પોલીસને મળી હતી. આથી પોલીસે ત્યાં જઈને તપાસ કરતા અજય ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતો હોવાનું સામે આવ્યું. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ કરતો હોવાથી ઘાટલોડિયા પોલીસે અજય વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આટલુ જ નહીં તે ચાઈનીઝ દોરી ક્યાંથી લાવ્યો તેની પણ તપાસ હાથ ધરી છે.
ઉત્તરાયણ નજીક આવતા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલ બેફામપણે વેચાઈ રહ્યા હોવાથી હાઇકોર્ટે લાલ આંખ કરતા જ પોલીસ હરકતમાં આવી છે. છેલ્લા ચાર પાચ દિવસોમાં ચાઈનીઝ દોરી વેંચતા અને સંગ્રહ કરતા પર કેસ કરીને આરોપીઓને પકડી પાડયા છે. આ દિવસોમાં અનેક લોકોના ગળા કપાયા છે ને પક્ષીઓ ઘવાયા છે.
હાઇકોર્ટના નિર્દેશ બાદ ગૃહ વિભાગના અધિક સચિવે જવાબ રજૂ કર્યો છે કે રાજ્યમાં ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ સામે રોક લગાવવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. ગૃહ વિભાગે પરિપત્ર બહાર પાડીને રાજ્યના ડીજીપી, આઈજીપી, તમામ પોલીસ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપીને મોકલાયો છે. ચાઈનીઝ દોરી ઉપરાંત નાયલોન દોરી, પ્લાસ્ટિક દોરી, સિનથેટિક દોરીને પણ પ્રતિબંધ કરાયો છે. કાયદાના ભંગ સામે કડક પગલાં લેવા તાકીદ પણ કરાઈ છે. આ અંગે સમ્બન્ધીત ઓથોરિટી પાસે રીવ્યુ રિપોર્ટ પણ માંગવામાં આવેલો છે.