મારો અવાજ,
વડનગર કોલેજ ચોકડી નજીક ગુરુવારે રાત્રે બાઈક લઈને પસાર થતાં બે શખ્સો પાસે કાગળો માગતાં ઉશ્કેરાયેલા શખ્સે અમારી પાસે કાગળો માગનારા તમે કોણ છો તમારા પટ્ટા ઉતરાવી દઈશ તેમ કહી પીઆઈ સી.બી.ગામીતને ગાળો બોલી પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતાં ચકચાર મચી ગઈ છે.
પોલીસે દારૂ પીધેલા બંને શખ્સને ઝડપી તેમની સામે ગુનો નોંધી અટક કરી હતી.નોંધનીય છે કે આ અગાઉ પણ એક શખ્સે મહિલા પીએસઆઈના શર્ટનો કોલર પકડ્યો હતો.તેમજ કિર્તીતોરણ નજીક વિદેશી ટુરિસ્ટની પણ છેડતી કરી હતી.શહેરમાં પોલીસ જ સલામત નથી ત્યારે અન્ય લોકોની સલામતી પર સવાલો ઉભા થયા છે.
વડનગર પી.આઈ. સી.બી.ગામીત સ્ટાફ સાથે ગુરુવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે કોલેજ ત્રણ રસ્તા પરથી બાઈક લઈને પસાર થતા બે શખ્સોને રોકી બાઈકના કાગળો માગતાં બંને ઉશ્કેરાઈ ગયા હતા.દારૂ પીધેલા બે શખ્સ વિમલજી અળખાજી ઠાકોર અને મહેન્દ્રજી બાલાજી ઠાકોર પૈકી મહેન્દ્રજી ઉશ્કેરાઈ ગયો હતો.
તમે કોણ છો મારી પાસે કાગળો માગનારા તમને કોણે સત્તા આપી અમને ઉભા રાખવાની હું આર્મીમાં છું, કોણ છે તમારો સાહેબ તમારા પટ્ટા ઉતરાવી દઈશ તેમ કહી પીઆઈની ફેંટ પકડી પોલીસ કર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી.આ દરમિયાન પીઆઈને છોડાવ્યા હતા.પોલીસે બંને શખ્સોને ઝડપી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.