*‘’રાણીની વાવ ઉત્સવ-2023’’*
……………..
*રાણીની વાવનો થયો સુરોથી શણગારઃ સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવીના સુરોમાં રંગાઈ રાણીની વાવ*
………….
*કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો*
……………
*”આજનો દિવસ પાટણ માટે ગૌરવ અને ઉત્સાહનો દિવસ”: મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત*
…………..
*પાટણના સ્થાપના દિવસે આયોજિત આ સંગીત સમારોહમાં પાટણવાસીઓનો જમાવડો*
……………
માહિતી બ્યુરો, પાટણ
ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે સુપ્રસિદ્ધ ગાયિકા ઈશાની દવેએ પાટણની રાણકી વાવમાં રમઝટ બોલાવી દીધી હતી. જ્યારે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજીત આજના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ગાયક રાજભા ગઢવીએ જોરદાર જમાવટ કરી હતી. પાટણવાસીઓ આજે રાજભા ગઢવીના તાલે ઝુમી ઉઠ્યા હતા. શ્રી રાજભા ગઢવી સાથે પાટણનું ગૌરવ એવાં ગાયક ખ્યાતિબેન નાયક અને નવઘણસિંહ વાઘેલા પણ જોડાયા હતા.
‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે. આજરોજ ઐતિહાસીક નગરી પાટણનો 1277મો સ્થાપના દિવસ છે. ત્યારે આજરોજ પાટણના સ્થાપના દિવસે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકારવૃંદ રાજભા ગઢવીએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી. લીલીછમ હરીયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય રાજભા ગઢવીના સુપ્રસિદ્ધ ગીતો…! રાણકી વાવની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગી ગયા હતા. રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતુ.
સંગીત સમારોહમાં પાટણની જનતાને સંબોધિત કરતા કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે લોકોને પાટણનાં 1277માં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતુ કે, આજનો દિવસ પાટણ માટે ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે. પાટણનાં સ્થાપના દિવસે જ પાટણનું ગૌરવ એવી રાણકી વાવ મુકામે આજે ભવ્ય ઉત્સાહ થવા જઇ રહ્યો છે. પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11 મી સદીના અંતિમ ચતુર્થમાસમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા 68 મી. લાંબી સાત માળની 27 મીટર ઉંડી વાવનું નિર્માણ કરાવ્યું હતુ. આજે એ રાણીની વાવ આખી દુનિયામાં પ્રસિધ્ધ થઈ ગઇ છે. વર્ષ 2014માં રાણીની વાવને વિશ્વ વિરાસતનો દરજ્જો મળ્યો અને ત્યારબાદ રાણીની વાવની પ્રતિકૃતિ રૂ.100 ની ચલણી નોટ પર અંકિત કરવામા આવી. આજે દેશ-વિદેશથી લોકો રાણીની વાવની મુલાકાતે આવી રહ્યાં છે. જે આપણાં સૌ માટે ગૌરવની વાત છે. મંત્રીશ્રીએ G-20 સમિટ અને અંબાજી યાત્રાધામમાં દર્શન કરવાની વાત પણ કરી હતી. તેઓએ સૌને તા. 12 થી 16 દરમિયાન માઁ અંબાનાં દર્શન કરવા માટે અપીલ પણ કરી હતી.
આજરોજ આયોજીત સંગીત સમારોહમાં કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત, રાધનપુર મતવિસ્તારનાં ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, કિશોર મહેશ્વરી, નંદાજી ઠાકોર, મોહનભાઈ પટેલ, રાજુલબેન દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ તેમજ વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી.
………………………………