મારો અવાજ,
ભચાઉ : કચ્છના નાના રણ વિસ્તારમાં પ્રતિબંધિત ઘુડખર અભયારણ્યમાં ચાલતા મીઠાના અગરો પૈકી અમુક દબાણોને દૂર કરાયા બાદ હવે વન વિભાગ દ્વારા ગેરકાયદે મીઠાના અગરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મીઠાના મહાકાય પાળાઓ તોડી ૭૦૦ હેક્ટર જમીન ખુલી કરાવાઈ છે.
મુખ્ય વન સંરક્ષક-કચ્છ વન વર્તુળ વી.જે.રાણાની વન્યપ્રાણી અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં અને વન્યપ્રાણી ગુન્હા આચરતા ઈસમો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવાની સૂચના હેઠળ ડી.એફ.ઓ. કચ્છ પૂર્વ વન વિભાગ ગોવિંદસિંહ સરવૈયાના માર્ગદર્શન મુજબ એસીએફ સી.એસ.પટેલ અને ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભગીરથસિંહ ઝાલાએ તેમની ફોરેસ્ટ ટીમ સાથે ભચાઉ તાલુકાના કડોલ ગામ નજીક કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં સંયુક્ત પેટ્રોલિંગ કરી વન્યપ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી અભ્યારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરી વન્યપ્રાણી રહેઠાણને નુકશાન પહોંચાડતા ઈસમો વિરુદ્ધ રૂટિન પ્રક્રિયા મુજબ વન ગુન્હા નોંધવામાં આવેલ છે. જેમાં મીઠાના અગર માટે ગેરકાયદેસર પાળા બનાવવા ઉપયોગમાં લેવાયેલ વાહન,હીટાચી, બોર બનાવવાની મશીનરી વગેરે જપ્ત કરી અને આરોપીઓ પાસેથી એડવાન્સ દંડ રીકવરી વસૂલ કરી ગેરકાયદેસર પાળા તોડી પાડ્યા છે.
અભ્યારણ્યમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી કચ્છ પૂર્વ વન વિભાગની ફોરેસ્ટ ટીમ દ્વારા ગેરકાયદેસર પાળા,હદ,નિશાનીઓ વગેરેને તોડી અભ્યારણ્યની જમીન પર ગેરકાયદેસર કબ્જાે દબાણ કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવી દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં છે.
જેમાં છેલ્લા કેટલાક દિવસોથી વન ગુન્હા નોંધી, મશીનરી વગેરે જપ્ત કરી ગેરકાયદેસર મીઠાના પાળા તોડી અભ્યારણ્યની અંદાજિત ૬૦૦-૭૦૦ હેક્ટર જમીન પર કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવેલ છે અને ગેરકાયદેસર મીઠું ઉત્પાદન થાય તે પહેલાંજ સઘન ઝુંબશ હાથ ધરેલ છે.
આવનારા દિવસોમાં પણ અભ્યારણ્યમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી દબાણ દૂર કરવાની કામગીરી પ્રગતિમાં રહેશે. આ ઓપરેશનમાં આરએફઓ ભુજ, અંજાર, રાપર, આડેસર અને મુન્દ્રાની ટીમો પણ જાેડાયેલી છે. અહેવાલ:રમેશ મહેશ્વરી. ભૂજ