મારો અવાજ,
વિઠોડા અનુપમ શાળા તા. ખેરાલુ રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા બની’
અનુપમ શાળાની શ્રેષ્ઠ કામગીરીના કારણે ગામમાં ચાલતી ખાનગી પ્રાથમિક શાળા બંધ કરવાની ફરજ પડી હતી.*
રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા*
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની સરહદી વિસ્તારમાં વિઠોડા અનુપમ શાળા આવેલી છે.ગામમાં મુખ્યત્વે ચૌધરી, રાજપૂત, રાજગોર બ્રાહ્મણ, પ્રજાપતિ સાથે તમામ જ્ઞાતિના લોકો સમૂહ ભાવનાથી વસવાટ કરે છે.
છેલ્લા બાવીસ વર્ષથી અનુપમ શાળાના ધોરણો જાળવી રાખી તેમાં ઉત્તરોતર વધારો કરવો એ કામ સરળ નથી. શાળાના આચાર્ય કનુભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષક મિત્રોની પ્રતિબદ્ધતા અને ગામજનોના સહકારથી શક્ય ન બન્યું છે.
ઈ.સ. 1997-98 થી હું શાળાની કામગીરીનો સાક્ષી રહ્યો છું. શાળા પરિવારે શૂન્યમાંથી સર્જન કર્યું છે.
*શાળામાં 371 જેટલા બાળકો અભ્યાસ કરે છે પણ મારી દરેક વર્ગની મુલાકાત એકપણ બાળકમાં કાચાસ જોવા નથી મળી.શાળામાં આજુબાજુના ગામના 98 જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે* .
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા, પાટણ, અમરેલી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના પ્રાચાર્ય તરીકેની બાવીસ વર્ષની સેવાઓ દરમિયાન ડૉ.જી.એન.ચૌધરીએ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અનુપમ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકેલ હતો.જેમાં ઉપરોક્ત પાંચ જિલ્લામાંથી અગિયારસો જેટલી શાળાઓ અનુપમ શાળા તરીકે જોડાયેલ હતી. જેમાંથી ચારસો જેટલી શાળાઓ અનુપમ શાળાના norms સિધ્ધ કરીને અનુપમ શાળા તરીકે જાહેર થયેલ. ડૉ.જી.એન.ચૌધરી સેવા નિવૃત્ત થતાં આલોક એજ્યુકેશન, મહેસાણાના માધ્યમથી પ્રાથમિક શાળાઓની ગુણવત્તા સુધારણા માટે અનુપમ શાળા પ્રોજેક્ટની કામગીરી ચાલુ રાખેલ છે. જે શાળાઓ અનુપમ શાળાઓ તરીકે જાહેર નહોતી થઈ તેવી શાળાઓને અનુપમ બનાવવા માટે અને અનુપમ બનેલ શાળાઓને તીર્થ અનુપમ શાળા બનાવવા માટેના પ્રોજેક્ટમાં સ્વેચ્છાએ 105 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ જોડાયેલી છે. આવી શાળાઓને શંકુઝ વોટરપાર્ક ખાતે તાલીમ આપવામાં આવેલ. આ શાળાઓને વર્ષ દરમિયાન ઓનલાઇન માર્ગદર્શન આપવામાં આવેલ. આવી અનુપમ શાળાઓએ કેટલી સિધ્ધિ પ્રાપ્ત કરી છે તેના મૂલ્યાંકનની કામગીરી હાલ ચાલી રહી છે.
*રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા*
તા.22.02.2022 ના રોજ આલોક એજ્યુકેશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ પ્રાચાર્ય ડૉ.જી.એન.ચૌધરી અને મીઠા અનુપમ પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક શ્રી કુંવરબેન ચૌધરી દ્વારા ખેરાલુ તાલુકાની વિઠોડા અનુપમ પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં શાળાએ અનુપમ શાળાના તમામ ધોરણો સિધ્ધ કરીને રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા તરીકેનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. આગામી સમયમાં આવી શાળાઓનું શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવોની હાજરીમાં સન્માન કરવામાં આવશે.
વિઠોડા તીર્થ અનુપમ શાળાની પ્રગતિ ગણો કે શાળા પરિવારની તપશ્ચર્યા ગણો તેની ટુંકી વિગતો જે મારી સમજમાં અને ધ્યાન ઉપર આવી છે તે અત્રે રજૂ કરી છે. જે આપ સૌ મિત્રોને વાંચવી જરૂર ગમશે.
આ શાળા ઈ.સ. 2002 માં અનુપમ શાળા તરીકે જાહેર થઈ હતી. શાળાને અનુપમ શાળાનો એવોર્ડ તે સમયના શિક્ષણમંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એવોર્ડ મેળવીને શાંત બેસી રહેવાની જગ્યાએ છેલ્લા 22 વર્ષથી શાળાએ શૈક્ષણિક ગુણવત્તામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી છે.
*લોક સહયોગથી શાળાનું અદ્યતન સુવિધાઓથી સજજ મકાન*
શાળાને શ્રીમતી કમળાબેન બાબુલાલ શાહ અને ગામલોકોના સહયોગથી બે કરોડ જેટલો લોક સહયોગ પ્રાપ્ત થયેલ છે, જે રકમમાંથી શાળાનું અદ્યતન મકાન બનાવવામાં આવેલ છે.
*શાળાની શૈક્ષણિક સિધ્ધિ માટે રાત્રી વર્ગો અને વીસ વર્ષથી ટ્યુટર શિક્ષકની વ્યવસ્થા*
શાળાના બાળકોની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે છેલ્લા છ વર્ષથી પરીક્ષા સમયે બે માસ રાત્રી વર્ગો ચાલે છે. આચાર્ય કનુભાઈ નિયમિત રીતે રાત્રી વર્ગોમાં બાળકોને ભણાવવાનું કામ કરે છે.
છેલ્લા વીસ વર્ષથી શાળાએ બાળકોની ગુણવત્તા સુધારણા માટે એક વધારાના ટ્યુટર શિક્ષક રોકેલ છે. ગામના હસમુખભાઈ પ્રજાપતિ આ સેવા ખૂબ ઉત્સાહ પૂર્વક આપી રહ્યા છે. આ શિક્ષકનો પગાર દાતાઓના સહયોગથી આપવામાં આવે છે.
તમામ ધોરણના બાળકો કડકડાટ વાંચી શકે છે. શાળાનું ચાલુ વર્ષનું ગુણોત્સવનું પરિણામ 89.90 ટકા છે. શાળાના 80 ટકા બાળકોની 80 ટકાથી વધારે શૈક્ષણિક સિધ્ધિ છે.
બાળકોના અભ્યાસ માટે ગણિત, ભાષા, સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના અલગ વર્ગખંડો બનાવેલ છે. તમામ પ્રકારની અધ્યન સામગ્રી વર્ગોમાં ઉપલબ્ધ છે.
વર્ગખંડોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ બોર્ડ મૂકવામાં આવેલ છે. જેનો ઉપયોગ કરીને અસરકારક અધ્યન કાર્ય કરાવવામાં આવે છે.
મારી મુલાકાત દરમિયાન પ્રોજેકટ દ્વારા શિક્ષણની કામગીરી જોવા મળી છે.
વર્ગમાં કેટલાક લગ્નની કંકોત્રીઓના કાર્ડ હતાં, તેમાંથી એક કંકોત્રીમાં એક વાલીની બે દીકરીઓ અને એક દીકરાના લગ્ન એમ ત્રણ સંતાનના સાથે લગ્ન ગોઠવાયેલ હતાં. તેવું એક કાર્ડ બાળકોને બતાવીને અભ્યાસક્રમ બહારના લગ્ન પ્રસંગના સામાજિક અને આર્થિક બાબતોને લગતા વિવિધ પ્રશ્નો બાળકોને પૂછ્યા જેના બાળકોએ ખૂબ સુંદર જવાબ આપ્યા.
બાળકોમાં ‘high order thinking’ કૌશલ્ય જોવા મળ્યું.
જે દિવસે શિક્ષક રજા પર રહેવાના હોય તેના આગલા દિવસે શૈક્ષણિક કામની સરસ વ્યવસ્થા કરીને શિક્ષક રજા પર જતા હોય છે અને બાળકો peer group learning કરે છે. મારી મુલાકાત દરમિયાન એક શિક્ષક રજા ઉપર હતા જ્યારે એક શિક્ષક બહેન તાલીમ પર ગયેલ હતા પણ તે વર્ગના બાળકો સરસ રીતે અધ્યયન કાર્ય કરતા જોવા મળ્યા.
*કોરોના સમયે બાળકોની વિશેષ કાળજી લેવાઈ છે*
કોરોના ગાઈડલાઈન ની પૂરતી કાળજી લઈને શિક્ષકોએ બાળકોનું અધ્યયન કાર્ય ન બગડે તે માટે ધોરણ 6 થી 8 ચૌધરી સમાજની વાડીમાં, ધોરણ 4 અને 5 વેરાઈ માતાની વાડીમાં, ધોરણ 3 પ્રજાપતિ સમાજની વાડીમાં અને ધોરણ 1 અને 2 ના બાળકોને અંબાજી માતાની વાડીમાં બેસાડીને નિયમિત રીતે અભ્યાસ કાર્ય કર્યું જેના કારણે હાલ કોઈ ગેપ પડી હોય તેવું જણાતું નથી.
*સંસ્કાર લક્ષી શિક્ષણ*
બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે અનુપમ શાળા પ્રોજેક્ટ અંતર્ગત રામદુકાન, વાર્તાથી વિચાર, અક્ષય પાત્ર, આજનું ગુલાબ, આજનો દીપક જેવા પ્રયોગો ખૂબ સમજણ પૂર્વક ચાલી રહ્યા છે. જેના ખૂબ સારા પરિણામો જોવા મળી રહ્યા છે.
*સમગ્ર ગુજરાતની શાળાઓમાં ચાલતા અક્ષય દ્રવ્ય પ્રયોગની શરૂઆત આ શાળાથી થયેલી છે.*
દર પંદર દિવસે એટલે દર એકાદશીએ શાળાના શિક્ષક મિત્રો પોતાના પગારમાંથી પોતાની સ્વમરજીથી યોગ્ય રકમ અક્ષય દ્રવ્યમાં મૂકે છે. આ રકમનો ઉપયોગ જરૂરિયાતમંદ બાળકોને ગુપ્ત રીતે મદદ કરવામાં આવે છે. આ અક્ષય દ્રવ્ય પ્રયોગની શરૂઆત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણાના પ્રાચાર્ય ડૉ.જી.એન ચૌધરીના હસ્તે ઈ.સ. 2006ના વર્ષથી વિઠોડા અનુપમ પ્રાથમિક શાળાથી કરવામાં આવેલ છે. આજે આ પ્રયોગ ગુજરાતની ઘણી શાળાઓમાં ચાલી રહ્યો છે.
*સ્પોર્ટ્સ ક્ષેત્રે શાળાની કામગીરી ઉમદા રહી છે.*
શાળાએ સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ખૂબ સુંદર કામગીરી કરી છે. શાળાની એક દીકરી જિનલ ચૌધરી 400 મીટરની દોડ, લાંબીકૂદ, ઊંચીકૂદની સ્પર્ધામાં નેશનલ કક્ષાએ ભાગ લઈને ઈનામ પ્રાપ્ત કરેલ છે.
ધોરણ આઠમાં અભ્યાસ કરતી ઈશિતા રાજગોર ચેસની રમતમાં નેશનલ કક્ષાએ વિજેતા બની છે. કોઈ પણ મોટી ઉંમરના ચેસના ખેલાડીને ઈશિતા સામે રમતાં વિજય મેળવવો અઘરો પડી જાય તેવી તેણીની રમત છે.
*એકવીસમી સદીના ત્રેવીસમા વર્ષમાં અભ્યાસ કરનાર બાળકો ભવિષ્યમાં ઊંચી ઉડાન ભરવા માટેનાં સ્વપ્નો સેવી રહ્યાં છે. દેશના અમૃતકાળમાં અભ્યાસ કરતાં બાળકો દેશને અમૃત સમાન બનાવશે તેવી આશા મજબૂત બની છે.*
ધોરણ આઠમાં ભણતી શાન્વી ચૌધરી મારી સામે કડકડાટ અંગ્રેજીમાં બોલતી જોવા મળી છે. ખૂબ તેજસ્વી આ દીકરીને USA જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા છે.
શાળાના બાળકો જિલ્લા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં દર વર્ષે ભાગ લઈને ઈનામ પ્રાપ્ત કરી રહ્યાં છે.
શાળાએ વિવિધ ક્ષેત્રે ટ્રોફી, ઈનામ, શિલ્ડ, પ્રમાણપત્ર પ્રાપ્ત કરેલ છે.
શાળાએ School of Excellence ના norms સિધ્ધ કરેલ છે.
*શાળા મુલાકાતે વિશ્વ બેંક અને યુનિસેફ*
વર્લ્ડ બેંકની ટીમ, યુનિસેફની ટીમ, રાજ્યની સો થી વધારે શાળાઓ અને જુદા જુદા શિક્ષણ વિભાગના ઘણા અધિકારીશ્રીઓએ શાળાની મુલાકાત લઈને સંતોષ વ્યક્ત કર્યો છે.
*સ્વચ્છ વિદ્યાલય*
શાળાની સ્વચ્છતા, બાળકોની સ્વચ્છતા અને સંસ્કાર આપણા દિલને ટાઢક આપે તેવા લાગ્યા છે. બાળકો ખૂબ વિવેકી અને સંસ્કારી લાગ્યાં.
શાળાને ઈ.સ. 2017 અને ઈ.સ. 2022 માં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને કલેકટરશ્રીની સહીથી શાળા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.
*ગ્રામજનોનો ઉમદા સહયોગ*
SMCના અધ્યક્ષ શ્રી વિરજીભાઈ ચૌધરી, પૂર્વ અધ્યક્ષ શ્રી શામજીભાઈ ચૌધરી અને સભ્યો, ગામના આગેવાનો ખૂબ સક્રિયપણે શાળા વિકાસમાં સહયોગ કરી રહ્યા છે.
શાળાના બાળકો સ્વાગતથી લઈને શાળાની તમામ જવાબદારી સુપેરે નિભાવે છે. બાળકોમાં તમામ પ્રકારની સ્કીલ વિકસે તેવા શાળા પરિવાર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે.
મારી મુલાકાત દરમિયાન શાળામાં બ્લોક પાથરવાની કામગીરી ચાલતી હતી. હું કોન્ટ્રાકટર જોડે વાત કરી કે ‘તમે ઘણી શાળાઓમાં ફરતા હશો તો તમને આ શાળા કેવી લાગી ?’
તેમના કહેવા મુજબ ‘one of the best school in the state.’ તેઓ પણ શાળાની જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરી આપવા તત્પર જણાયા.
*આચાર્ય શ્રી કનુભાઈ પ્રજાપતિની પ્રતિબદ્ધતા*
શાળાના આચાર્ય શ્રી કનુભાઈ પ્રજાપતિ htat આચાર્ય છે. તેમને અઠવાડિયામાં અઢાર શૈક્ષણિક તાસ લેવાના હોય છે પણ કનુભાઈ અઠવાડિયાના તમામ તાસ એટલેકે 45 તાસની શૈક્ષણિક કામગીરી કરે છે. ગુજરાતમાં ખૂબ ઓછી આવી શાળાઓ હશે જ્યાં આચાર્ય તમામ તાસ ભણાવતા હશે. શાળાની વહીવટી કામગીરી તેઓ ઘરેજ કરે છે.
શાળા જોડે હાલ વીસ લાખ જેટલું નાણાકીય ભંડોળ ઉપલબ્ધ છે. તે રકમ વાપરવાની જગ્યાએ શાળાના આચાર્ય જ્યાં જરૂર પડે ત્યાં પોતાની ગાંઠની રકમ ઉદાર હાથે શાળા માટે વાપરી રહ્યા છે.
દિવસનો સંપૂર્ણ સમય શાળાને સમર્પિત કરેલ છે તેમ કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. તેમના જીવનનું મુખ્ય ધ્યેય શાળાના બાળકોને ગુણવત્તા અને સંસ્કારલક્ષી શિક્ષણ આપી સમાજની સેવા કરવાનું રહ્યું છે. તેમની પ્રતિબદ્ધતા નું ફળ ભગવાને તેમને આપ્યું છે. *તેમનો દીકરો આજ શાળામાં ભણીને હાલ આઈઆઈટી મુંબઈમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો છે.*
*શાળાના શિક્ષક મિત્રોની પ્રતિબદ્ધતા અને ટીમ વર્ક*
શિક્ષક મિત્રો સાથેની એકાદ કલાકની બેઠકમાં શાળાની કામગીરીને વિશેષ રીતે સમજવા પ્રયત્ન કર્યો.શાળાના શિક્ષક મિત્રો ખુબજ પ્રમાણિક પણે બાળકોના શિક્ષણ અને સંસ્કાર સિંચન માટે પ્રતિબદ્ધ થઈને કામગીરી કરી રહ્યા છે. *’કર્મ એજ ધર્મ’* ની ભાવના ધરાવતા શિક્ષક મિત્રોને સતત કામ કરવાનો આનંદ મળી રહ્યો છે.
આચાર્ય સિવાય પ્રજાપતિ ગીતાબેન, લિમ્બાચીયાહંસાબેન, ચૌધરી લીલાબેન, ચૌધરી ગીતાબેન, ચૌધરી નીતાબેન,દરજી આદિત્યકુમાર, ચૌધરી મનિષાબેન,સુથાર કોમલબેન,સથવારા ભાવેશકુમાર, પટેલ સોનલબેન,ચૌધરી ભાવનાબેન વગેરે ખૂબ નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યાં છે. *શાળામાં બહારથી આવજાવ કરનાર શિક્ષક મિત્રોના બાળકો પણ આજ શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે.*
શાળાના મુખ્ય શિક્ષક શ્રી કનુભાઈ વિદ્યાસહાયક તરીકે જોડાયા ત્યારથી શાળાના આચાર્ય તરીકેની કામગીરી કરી રહ્યા છે. છેલ્લા બાવીસ વર્ષથી શાળાની પ્રગતિમાં કનુભાઈનો સિંહ ફાળો રહ્યો છે.
*પોતાનો સમય, શકિત અને જરૂર પડે સંપતિનો શાળા પરિવાર માટે ઉપયોગ કરનાર મિત્રોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.*
મને આશા અને વિશ્વાસ છે કે આ શાળા પોતાના પ્રગતિના પથ પર આજ રીતે આગળ વધતી રહેશે. ઘણી શાળાઓ માટે પ્રેરણા રૂપ શાળાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે.
વિઠોડા અનુપમ શાળા હવે રાજ્યની પ્રથમ તીર્થ અનુપમ શાળા બની છે ત્યારે શાળાના આચાર્યશ્રી કનુભાઈ પ્રજાપતિ, શિક્ષક મિત્રો, SMC સભ્યો, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનોને આલોક એજ્યુકેશન તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
વહાલા બાળકોને ઊજળા સલામત ભવિષ્ય માટેની હાર્દિક શુભેચ્છાઓ સાથે….