મારો અવાજ,
ગોઝારિયા-પાટણ નેશનલ હાઇવે 68 માટે મહેસાણા તાલુકાના 19 ગામોના 572 ખેડૂતોની 18 હજારથી વધુ ચોરસ મીટર જગ્યા સંપાદન થવાની છે, ત્યારે પોતાની મહામૂલી અને કિંમતી જમીનો અગાઉ મહેસાણા બાયપાસ હાઈવેમાં સંપાદન થઈને ગુમાવ્યા બાદ હજુ પણ પૂરેપૂરા વળતર માટે કોર્ટમાં કેસ લડી રહેલા ખેડૂતોને આ વખતે આ નેશનલ હાઈવેમાં સંપાદન થનારી જમીનોને લઈ મોટાભાગના ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે અને 572 પૈકી 146 ખેડૂતોએ તો વિવિધ કારણો દર્શાવી વહીવટી તંત્ર સમક્ષ વાંધા રજૂ કર્યા હતા.
સામે પક્ષે તંત્ર દ્વારા સતત ત્રણ દિવસ સુધી ત્રણ તબક્કામાં ચલાવેલી સુનાવણી પ્રક્રિયા શનિવારે પૂર્ણ કરી છે. ખેડૂતો તરફથી રજૂ કરાયેલા તમામ વાંધા ડીએલઆર કચેરીને મોકલાશે. ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઇવેના આ પ્રોજેક્ટમાં 19 પૈકી 18 ગામોમાં 10 ફેબ્રુઆરી સુધીમાં માપણીની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂરી કરી દેવાઇ છે.
આ 19 ગામોની જમીન સંપાદન થવાની છે
અલોડા, દેદિયાસણ, ગીલોસણ, ગોઝારિયા, હેડુવા (હનુમંત), હેડુવા (રાજગર), કડવાસણ, ખેરવા, કુકસ, મેઉ, મેવડ, નુગર, પાલાવાસણા, પાંચોટ, રામપુરા, કુકસ, સુખપુરડા, શોભાસણ અને વડોસણ.
2009માં સંપાદિત જમીનના રૂપિયા હજુ પૂરેપૂરા મળ્યા નથી
મહેસાણા બાયપાસ હાઈવેમાં એક વીઘો જમીન સંપાદન થઈને ગુમાવનાર ગીલોસણના ખેડૂત બાબુભાઈ પટેલે રોષ ઠાલવતાં કહ્યું કે, 2009માં સંપાદન કરેલી જમીનના રૂપિયા હજુ સુધી સરકાર પૂરેપૂરા આપી શકી નથી અને અમે સેશન્સ કોર્ટમાં જીતી ગયા હોવા છતાં પણ રૂપિયા આપવાને બદલે સરકાર હાઇકોર્ટમાં ગઈ છે.
જમીન સંપાદનમાં પણ વિસંગતા છે : ખેડૂતો
ખેડૂતોએ જણાવ્યું કે, ચાણસ્માથી મહેસાણાના ડિમાર્ટ સર્કલ સુધી મધ્યથી 30 મીટર સુધીની જગ્યા સરકાર સંપાદન કરી રહી છે. જ્યારે ડી માર્ટથી શિવાલા સર્કલ સુધી મધ્યથી 45 મીટરની જગ્યા સંપાદન કરવાની છે. આમ જમીન સંપાદનમાં પણ વિસંગતતા હોઇ આખા નેશનલ હાઇવે પર એકસરખી જમીન સંપાદન કરવામાં આવે. 2009માં સરકારે કરેલી 60 મીટર સંપાદિત જગ્યાનો પણ હજુ સુધી પૂરેપૂરો ઉપયોગ નથી કર્યો, તો હવે વધુ જગ્યા સંપાદન કરવાનું શી જરૂર છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.