વડનગર અમરથોળ દરવાજાથી પ્રાથમિક શાળા સુધીના રોડ પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકો હેરાન થઈ ગયા છે. 6 મહિનાથી રોડ તૂટી ગયો છે છતાં તંત્રને મરામત કરવાનો પણ સમય નથી.આગામી પાંચ દિવસ પછી સુલતાનપુરમાં યોજાનાર હરસિદ્ધ માતાજીના પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોઈ આ રસ્તાની મરામત કરવા માંગ ઉઠી છે.
વડનગર અમરથોળ નજીકથી પ્રાથમિક શાળા સુધીનો રોડ સાવ બિસમાર થઈ ગયો હોવા છતાં આ રોડની મરામત કરવાની તંત્રને ફૂરસદ નથી.જેનો ભોગ વાહનચાલકો અને રાહદારીઓ બની રહ્યા છે.ઠાકોર સેનાના અગ્રણી ચંદુજી ઠાકોરે જણાવ્યું હતુ કે રોડ પરના ખાડા પુરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાત ધ્યાને લેતું નથી.ખાડા પર માટી નાખી તંત્ર સંતોષ માની લે છે.
પણ ખાડી ઉડી ગયા બાદ ફરી ખાડા ઉઘાડા થઈ જાય છે.જોકે રોડની ગુણવત્તા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.આ પટ્ટામાં આરસીસી રોડ બનાવાય તેવી પણ માંગ ઉઠી છે.આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતુ કે આ રોડ આરએન્ડબી વિભાગમાં આવે છે.તેની મરામતની જવાબદારી તેમની છે.