વડનગરના ખતોડાની ગ્રેસી ચૌધરી સહિત ગુજરાતની 5 યુવતી અમેરિકામાં ઈન્ટરનેશનલ જમ્પ રોપ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરશે
વડનગરના ખતોડા ગામની અને ગાંધીનગર ખાતે અભ્યાસ કરતી ગ્રેસી ચૌધરીની આગામી સમયમાં અમેરિકાના કોલારાડો ખાતે યોજાનારી ઈન્ટરનેશનલ જમ્પ રોપ સ્પર્ધામાં પસંદગી થતાં ગામ તેમજ સમાજમાં આનંદ છવાયો છે. તેની સાથે અન્ય 5 ખેલાડી પણ પ્રતિનિધિત્વ કરશે.
ખતોડા ગામના ચૌધરી વિજલાલભાઈના ત્રણ સંતાનો પૈકી સૌથી મોટી દીકરી ગ્રેસી (17) ગાંધીનગરની જે.એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેને અભ્યાસની સાથે રમતોનો પણ શોખ છે. ગત 2 થી 6 ફેબ્રુઆરી દરમિયાન મહારાષ્ટ્રના શિરડી ખાતે યોજાયેલી જમ્પ રોપ નેશનલ સ્પર્ધામાં જુદી જુદી ઇવેન્ટમાં ગ્રેસી ચૌધરી તેમજ દીનાબેન હરજીભાઈ ચૌધરી, ધ્રુવીબેન મહેશભાઈ ચૌધરી, ધ્રુવીબેન જેસંગભાઈ ચૌધરી, નિકિતાબેન હરચંદભાઈ ચૌધરી અને આરવીબેન અલ્કેશભાઈ ચૌધરી સહિત 6 ખેલાડીઓએ ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આગામી સમયમાં યુએસએ કોલારાડોમાં યોજાનાર ઇન્ટરનેશનલ જમ્પ રોપ સ્પર્ધામાં 6 પૈકી 5 ખેલાડીઓની પસંદગી થઈ છે. ગ્રેસીએ જણાવ્યું કે, દીકરા જેટલું જ મને પણ મહત્વ આપનારાં મારા માતા-પિતાના અને મારા શિક્ષકોના પરિશ્રમથી આ સિદ્ધિ મળી છે.