ઉત્તર ગુજરાતમાં શુક્રવાર માવઠાં બાદ શનિવાર સાંજે પોણા 6 વાગે અચાનક ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને જોતજોતામાં પવનની ગતિ 37 કિલોમીટરે પહોંચતાં ભારે પવન વાવાઝોડામાં ફેરવાયો હતો. ધૂળિયા વાતાવરણમાં આંખ ખોલવી પણ મુશ્કેલીભર્યું બન્યું હતું. આ દરમિયાન ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા- ભડાકા અને કરા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ઉત્તર ગુજરાતમાં શનિવારે સાંજના 4 થી 8 વાગ્યા સુધીના 4 કલાકમાં 22 તાલુકામાં 2 મીમીથી લઇને 41 મીમી એટલે કે પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતી તાલુકામાં પોણા બે ઇંચ, હિંમતનગરમાં દોઢ, સિદ્ધપુર, દાંતા, બહુચરાજી અને પાટણ પંથકમાં પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ સિવાયના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. બહુચરાજીમાં માત્ર 15 મિનિટમાં કરા સાથે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ઊભા ખેતીપાકોને નુકસાનની ચિંતા ખેડૂતોમાં ઊભી થઇ છે.
વરસાદે વાતાવરણ ઠંડુગાર બનાવી દીધું હોય તેમ ગરમી પોણા 3 ડિગ્રી સુધી ઘટી હતી અને પાંચેય શહેરોનું તાપમાન 33 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સતત વરસાદના કારણે ઉનાળુ સિઝનનો ખેતરમાં ઉભો પાકનો ઓથ વળી જતાં ખેડૂતોની સિઝન બગડી છે.
કૃષિ વિભાગના સૂત્રો મુજબ, ભારે પવનના કારણે દિવેલાનો પાક અને વરિયાળીનો પાક ભાગી જઇ જમીનદોસ્ત થયા છે. બીજી બાજુ માવઠાંવાળા વિસ્તારોમાં ઘઉંના ઉભા પાકને દાણા પર કાળી ડાઘીઓ પડી જતાં ગુણવત્તા બગડી છે. જેને લઇ ખેડૂતોને સારો ભાવ ન મળતાં આર્થિક નુકસાન થશે.