ખેરાલુના ઠાકોર પરિવારે નવી રીક્ષા લીધી હતી.નવી રીક્ષા લાવ્યાં તે સાંજે બહેનના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ખેરાલુ ગોરીસણા રોડ પર ઇકો સાથે ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા અને ત્રણ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.
વિગતનુસાર મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ ખાતે રહેતા ઠાકોર રમેશજી ગઈકાલે બપોરે નવી રિક્ષા લાવ્યાં હતા. ત્યારે રિક્ષામાં પરિવારના સભ્યોને બેસાડીને પોતાની બહેનને મળવા સાગથરા ગામે જવા નીકળ્યા હતા. આ દરમિયાન ખેરાલુ પાસે જ તેઓની રિક્ષાને અકસ્માત નડ્યો હતો.
ખેરાલુથી નવી રિક્ષામાં બેસી ઠાકોર રમેશજી પોતાના પરિવાર સાથે બહેનને મળવા જતા હતા. એ દરમિયાન ખેરાલુ-ગોરીસણા હાઇવે પર રિક્ષાને ઈક્કો ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા રિક્ષા ફૂટબોલની જેમ ફંગોળાઈ હતી. જે રિક્ષામાં સવાર ઠાકોર રમેશજી ચેલાજી, ઠાકોર અજયજી ચેલાજી, ઠાકોર અનીતાબેન રમેશજી, ઠાકોર કિંજલ બેન રમેશજી, ઠાકોર ભાવેશજી રમેશજી, ઠાકોર હીરાબેન ચેલાજીને ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને ખેરાલું સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન રિક્ષા ચાલકના પુત્ર ભાવેશ રમેશજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. બાદમાં પરિવારના અન્ય સભ્યોને વધુ સારવાર માટે વડનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમજ ઠાકોર રમેશજી ચેલાજી, ઠાકોર અજયજી ચેલાજી, ઠાકોર અનીતા બેન રમેશજી, ઠાકોર હીરાબેન ચેલાજીને વડનગરથી વધુ સારવાર માટે રાત્રે અમદાવાદ ખસેડવામાં આવ્યાં હતા.
રિક્ષા ચાલક અને તેની માતાનું પણ મોત
આ દરમિયાન રસ્તામાં એમ્બ્યુલન્સમાં જ રિક્ષા ચાલકના માતા ઠાકોર હીરાબેનનું પણ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે સવારે રિક્ષા ચાલક રમેશજીનું પણ મોત થતા પરિવારે ત્રણ-સભ્યો ગુમાવ્યાં હતા. તેમજ ત્રણ સભ્યો હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.