ગુજરાતમાં ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણની શક્યતા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સપ્તાહમાં તેમના કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. તેમાં છથી સાત વધુ મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે. ભાજપના યુવા ચહેરાઓમાં સામેલ હાર્દિક પટેલ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને પણ મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળવાની ધારણા છે. બંને આંદોલનકારી નેતાઓને મંત્રી પદ મળે તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણમાંથી જ્યારે હાર્દિક પટેલ અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય બેઠક વિરમગામથી જીત્યા હતા. કેબિનેટ વિસ્તરણની અટકળોને સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત સાથે જોડવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને વચ્ચે લાંબી વાતચીત પણ થઈ હતી. બેઠક બાદ મુખ્યમંત્રીએ Tweet કર્યું કે, તેમણે ગુજરાતના વિકાસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માર્ગદર્શન લીધું.