અમદાવાદમાંથી પકડાયેલા રૂ.10 હજાર કરોડના ક્રિકેટ સટ્ટાના કૌભાંડમાં પોલીસે ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત ઈન્કમટેક્સ એકટની કલમ 75નો ઉમેરો કર્યો છે. કૌભાંડમાં પકડાયેલા 4 આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અન્ય આરોપીઓ મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દિલ્હીમાં છુપાયા હોવાની માહિતીના આધારે પોલીસની જુદી જુદુ ટીમો તમામ રાજ્યોમાં મોકલવામાં આવી છે.
પીસીબી પીઆઈ તરલ ભટ્ટે જણાવ્યું કે, અત્યારસુધીમાં ગુજરાતમાં પોલીસે કયારેય ઈન્કમટેક્સની કલમ -75નો ઉપયોગ કર્યો નથી. પરંતુ ક્રિકેટના આ સટ્ટામાં લોકો પાસેથી ઓનલાઈન પૈસા લઈને એક એકાઉન્ટમાંથી બીજા મારફતે, આરટીજીએસથી, હવાલાથી વિદેશ મોકલાયા હોવાથી આ કલમ લગાવાઈ છે. 4 સટોડિયાના લેપટોપ, મોબાઈલ ફોન, સીમકાર્ડમાં કોડવર્ડ લખેલા છે. જેથી તેના લોક ખોલાવીને તપાસ માટે એફએસએલને મોકલાયા છે. પોલીસનું કહેવું છે કે મહાદેવ, અડ્ડા તેમજ વિવેક જૈન સહિતના 6 આરોપી દુબઈથી નેટવર્ક ચલાવે છે.
નકલી કંપની અંગે કંપની રજિસ્ટ્રારને જાણ કરાઈ
સટ્ટોડિયાઓની આ ટોળકીએ પૈસા હવાલાથી દુબઈ, સિંગાપુર અને હોંગકોક મોકલવા માટે ભારત અને ચીનની કેટલીક સર્વિસ પ્રોવાઈડર કંપનીઓની મદદ લીધી હતી. જેના માટે કેટલીક કંપનીઓ ખોલીને બંધ કરી દેવામાં આવી હતી. જેથી સટોડિયાની આ ટોળકીએ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો, તેમાંથી કેટલી ચાલુ છે અને કેટલી બંધ થઇ ગઈ છે. તેની તપાસ કરવા માટે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને જાણ કરવામાં આવી છે.
ક્રિકેટ સટ્ટાના મુખ્ય 6 આરોપી મહાદેવ, અમિત મજેઠિયા, માનુશ શાહ, અન્ના રેડ્ડી, વિવેક જૈન હાલમાં દુબઈમાં છે. જેથી શહેર પોલીસે આ તમામ આરોપીઓ સામે લૂક આઉટ નોટિસ જારી કરી છે. પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા આરોપી અને તેમના પરિવારના નામના બેન્ક એકાઉન્ટ અને લોકરની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું છે. પોલીસને જુદી જુદી 19 બેન્કમાંથી 538 એકાઉન્ટ મળ્યા હતા.