વડનગર અને વિસનગર પંથકમાં ડબ્બા ટ્રેડિંગની બદી વકરી રહી છે
લાયસન્સ વગર શેરની લે-વેચ કરી કમિશન ખાતા શખ્સની ધરપકડ
વડનગર બાદ વિસનગર પંથકમાંથી ડબ્બા ટ્રેડિંગ પકડાયું છે. વિસનગર તાલુકા પોલીસે ગોઠવા ગામે વાઘાજીપુરામાં રહેણાંક મકાનમાં રેડ કરી લાયસન્સ વગર માર્કેટ પ્લસ નામની એપથી શેરબજારની ટીપ્સ આપી શેરની લે-વેચ કરતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઇલ મળી રૂ.17 હજારનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે.
વિસનગર તાલુકા પોલીસને ગોઠવાના વાઘાજીપુરામાં રહેતો ઠાકોર નયન ઉર્ફે પોપટ ભલાજી તેના રહેણાંક મકાનમાં લોકોને મોબાઇલ વડે ફોન કરી માર્કેટ પ્લસ નામની એપમાં શેરબજારની વધ-ઘટ જોઇ લોકોને શેરબજારમાં વધુ કમાવી આપવાની ટીપ્સ આપે છે અને સ્ટોક બજારનું કોઇપણ જાતનું લાયસન્સ ન હોવા છતાં તે લોકોને શેર બજારનો લે-વેચનો ધંધો કરી કમિશન મેળવી સરકાર સાથે છેતરપિંડી કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીઆઇ એન.પી. રાઠોડ સહિત સ્ટાફે ઘટના સ્થળે રેડ કરી નયન ઠાકોરને ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ મોબાઇલ કબજે લઇ તેની વિરુદ્ધ ધી સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956ની કલમ 13, 14 અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.