કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા શ્રીઅમિત અરોરા
સરકારની ફ્લેગશીપ યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે એ દિશામાં કામ કરીશું. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા
આજ રોજ કચ્છ જિલ્લા સમાહર્તા તરીકેનો પદભાર વિધિવત રીતે વર્ષ 2012 બેચના આઈ.એ.એસ અધિકારીશ્રી અમિત અરોરાએ સંભાળી લીધો હતો. પુરોગામી કલેક્ટરશ્રી દિલીપ રાણાએ નવનિયુક્ત કલેક્ટરશ્રી અમિત અરોરાને પુષ્પગુચ્છ અને કચ્છ શાલ સાથે આવકાર આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવનિયુક્ત કચ્છ જિલ્લા સમાહર્તાશ્રી અમિત અરોરાએ પદભાર સંભાળતા કચ્છ જિલ્લામાં મહત્વના ચાર મુદાઓ ઉપર પ્રાથમિકતાથી કામગીરી કરવા ભાર મૂક્યો હતો. તેઓએ કચ્છ જિલ્લામાં ચાલુ અગત્યના વિકાસકાર્યોના પ્રોજેક્ટ્સ,પાયાની માળખાગત સુવિધાઓનો વિકાસ, વહીવટી સુધારણા તેમજ સરકારની મહત્વની ફ્લેગશીપ યોજનાઓને જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વધુમાં શ્રીઅરોરાએ જણાવ્યું હતું કે,કચ્છની જનતાએ અહીં કાર્યરત અધિકારીશ્રીઓને ખૂબ જ પ્રેમ આપ્યો છે ત્યારે તેઓ પણ કચ્છની જનતાને ઉત્તમોત્તમ વિકાસકાર્યોની ભેટ આપવા પ્રયત્ન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત શ્રી દિલીપ રાણાને વડોદરા ખાતે બઢતી મળતા આજે નવનિયુક્ત કલેક્ટરશ્રી અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ શ્રી અરોરા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે કાર્યરત હતા.