માણસા તાલુકામાં આવેલા મહુડી ગામના મંદિરના જ બે ટ્રસ્ટીઓ 45 લાખનું સોનું ચાઉં કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને ટ્રસ્ટીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે આ ગુનામાં ફરિયાદી બનેલા ભુપેન્દ્રભાઈ શાંતિલાલભાઈ વોરા (ઉ.વ.61, રહે.કાંદિવલી વેસ્ટ-મુંબઈ, મુળ મહુડી)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્ર્વેત મૂર્તિપૂજક ટ્રસ્ટના લેટર પેડ ઉપર મહુડી મંદિરના ટ્રસ્ટી નિલેશભાઈ કાંતિલાલ મહેતા તેમજ સુનિલભાઈ બાબુલાલ મહેતાએ આ ગુનાને અંજામ આપ્યો છે. તેમણે કહ્યું કે મહુડી મંદિરમાં કુલ આઠ ટ્રસ્ટીઓ છે
જેમાં વોરા સમાજના બે જેમાં હું પોતે તેમજ વિનીતભાઈ નટવરલાલ વોરાનો સમાવેશ થાય છે. આવી જ રીતે મહેતા પરિવારના કુલ ચાર ટ્રસ્ટી છે જેમાં નિલેશભાઈ કાંતિલાલ મહેતા અને સુલિતભાઈ બાબુલાલ મહેતા ઉપરાંત જગદીશભાઈ કાંતિલાલ મહેતા તેમજ ગીરીશભાઈ પુનમભાઈ મહેતાનો સમાવેશ થાય છે. ઉપરોક્ત તમામ ટ્રસ્ટીઓ તા.1-4-2020થી કાર્યરત છે અને અમારી કામગીરી મહુડી મંદિરના વહીવટી તેમજ ધાર્મિક આયોજનની રહે છે. આવી જ રીતે મહુડી ઘંટાકર્ણ વીર ભગવાનના મંદિરમાં આવેલા ભંડાર (દાનપેટી)માં ભક્તો દ્વારા જે ચડાવો ચડાવવામાં (દાનપેટીમાં નાખવામાં આવતાં રોકડ-દાગીના) આવે છે તે ભંડાર અમે ટ્રસ્ટીઓની હાજરીમાં દર બે-ત્રણ મહિને ખોલતા હોઈએ છીએ.
આ ભંડારામાંથી નીકળતા રોકડ રૂપિયા તેમજ સોનાના દાગીનાની ગણતરી કરી ભંડારપત્રક (પાવતી)માં એન્ટ્રી કરી તેની સંપૂર્ણ માહિતી રાખવામાં આવે છે અને આ પ્રકારની પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે. આ પહેલાં અમે 2022માં દિવાળી ઉપર શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવના સંપૂર્ણ વર્ષનો સોનાના વરખતનો ઉતારો વરસમાં એક વખત ધનતેરસના દિવસે ઉતારીએ છીએ. આ વખતે એ સોનાના વરખનો ઉતારો ઉતારી એક ડોલમાં મુકી તે ડોલ તીજોરીમાં મુકી હતી જે ડોલ ટ્રસ્ટીઓએ એક વખત ગળાવવા માટે બહાર કાઢી હતી પરંતુ તે દિવસે ગળાવવાનું શક્ય ન બનતા તે ડોલ ટ્રસ્ટીઓની હાજરીમાં પાછળ જાળીમાં મુકી તાળું મારી દીધું હતું. દરમિયાન ગત તા.15-2-2023ના રોજ
અમે આ ડોલરમાં રાખેલો સોનાનો વરખત અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં ગળાવ્યો ત્યારે તેમાં 700થી 800 ગ્રામ વજન ઓછું ઉતરતાં અમને ચોરી થયાની શંકા ગઈ હતી. આ પછી અમે સ્ટાફના માણસોની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં નિલેશ મહેતા (રહે.8/3 ઉમાસુત ફ્લેટ, ગોદાવરી જૈન દેરાસર નજીક, વાસણા-અમદાવાદ) અને સુનિલ મહેતા (રહે.પીનલ પાર્ક-4, શાંતિવન બસ સ્ટોપ પાસે, પાલડી-અમદાવાદ) અહીં આવ્યા હતા અને તેમણે પાછળ જાળીમાંથી અમને સ્ટાફને સાથે રાખી સોનાના વરખની ડોલ તેમજ બીજી સોના-ચાંદીની લગડીઓ બહાર કાઢી હતી અને એકાઉન્ટન્ટ રાજુભાઈની ઑફિસમાં લઈ ગયા હતા અને રાજુભાઈની ખુરશી ઉપર નિલેશભાઈ મહેતા બેઠા હતા
અને જમણા હાથે સોનાના વરખની ડોલ તેમજ લગડીઓ મુકી તેમજ ડાબા હાથે નિલેશ મહેતાએ તેમાં પોતાના બે ખાલી થેલા મુક્યા હતા. આ વેળાએ સુનિલ મહેતા બહાર ગાદી ઉપર બેઠા હતા અને થોડીવાર પછી નિલેશભાઈએ સ્ટાફના માણસોને કહ્યું હતું કે તમે બધા જમવા જતા રહો. આ સાંભળી અમે બધા જમવા ચાલ્યા ગયા હોવાનું સ્ટાફે જણાવ્યું હતું. સ્ટાફ જમવા ગયા બાદ નિલેશભાઈ મહેતાએ મંદિરના પુજારી જનકભાઈ પાસેથી સુખડના વરખનું તેલ મંગાવેલ જેનાથી વરખ લાગે છે અને તે તેલ પોતાના બે હાથમાં ઘસી પોતાના શરીર ઉપર લગાડી દીધું હતું કારણ કે સોનાના વરખના ઉતારામાં સુખડના તેલનું મિશ્રણ હોય છે
જેથી નિલેશ મહેતાનો અગાઉથી જ ઈરાદો નક્કી હતો કે તેઓને ડોલમાં મુકેલ સોનાના વરખનો ઉતારો લઈ લેવા માટે અને તેમાં રહેલા સુખડની સુગંધ પકડાય ન જાય તે માટે તેમણે પૂજારી પાસેથી સુખડનું તેલ મંગાવ્યું હતું. આ પછી સ્ટાફ જમીને પરત આવ્યો એટલે તેમના કહેવા પ્રમાણે સોનાના વરખની 700થી 800 ગ્રામ જેટલું સોનાનું વરખ કે જેની કિંમત 45 લાખ રૂપિયા જેટલી થાય છે તે લઈને જતા રહ્યા હતા. ત્યારબાદ ગત તા.19-20 આસપાસ ફરિયાદી મહુડી મંદિરમાં હાજર હતા અને અન્ય કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે મહેતા પરિવારના ટ્રસ્ટી નિલેશ મહેતા તેમજ વિનીત વોરા ઉપરાંત રશ્મીકભાઈ શાહ, જગદીશભાઈ મહેતા, ટ્રસ્ટના મેનેજર રાજેશ શાહ,
કેશીયર રુતુલભાઈ શાહ, આસિસ્ટન્ટ મેનેજર સુરેશભાઈ પટેલ, એકાઉન્ટન્ટ રાજુભાઈ રાઠોડ, મંદિર ટ્રસ્ટના અન્ય કર્મચારીઓની હાજરીમાં ભંડાર ખોલવામાં આવ્યો હતો તે દિવસે ભંડારમાંથી જે રોકડ રકમ તેમજ દાગીના નીકળા હતા તેની ગણતરી કરી ભંડાર પત્રમાં નોંધ કરવામાં આવી હતી. જો કે અમને ખાનગી રાહે જાણકારી મળી હતી કે નિલેશ મહેતા ટ્રસ્ટી હોવા છતાં મંદિરના ભંડાર (દાનપેટી)માંથી પૈસાની ઉચાપત કરી રહ્યા છે. આ પછી અમે મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં નિલેશ મહેતાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આ પછી નિલેશ મહેતાની પૂછપરછ કરવામાં આવે તે તેણે ગોળ ગોળ વાતો કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે તે ચેનને પોતાની પાસે મુકી દેતા હોવાનું પણ ધ્યાને આવ્યું હતું.