ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાંક રસ્તો ભૂલ્યા ઉમેદવારો, પણ ‘સારથી’ બન્યા ગુજરાત પોલીસ જવાનો
રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. આ પરીક્ષામાં ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે ST નિગમે પણ વધારાની બસોની ફાળવણી કરી હતી. આમ છતાં રાજકોટ, અમરેલી અને સાણંદમાં અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. આવા વિદ્યાર્થીઓને પોલીસ કર્મચારીએ મદદ કરી છે. અમરેલીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને કારણે ગીર સોમનાથથી પરીક્ષા આપવા આવેલા 11 ઉમેદવારો ટ્રાફિકમાં અટવાયા હતા. આ તમામ ઉમેદવારને અમરેલી પોલીસે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની કામગીરી કરી હતી. આવી જ રીતે રાજકોટ પોલીસે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. રાજકોટમાં એક નામની બે કોલેજ હોવાથી અમુક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રને બદલે અન્ય કૉલેજે પહોંચ્યા હતા. રાજકોટ પોલીસે આ તમામ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. સાણંદમાં પોલીસે પણ પરીક્ષા કેન્દ્ર શોધવામાં નિષ્ફળ રહેલા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડીને સરાહનીય કામગીરી કરી છે,