વિસનગરના કડા ગામે ખભા પર હાથ મૂકી ઉભેલા પતિ-પત્નીને અપમાનજનક શબ્દો કહી હુમલો
વિસનગર તાલુકાના કડા ગામે રોડ પર ઉભેલા પતિ પત્નીને કેમ ખભા પર હાથ રાખી ઊભા છો આ દરબારોનું ગામ છે કહી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓએ દંપતીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી યુવકને ધોકા વડે માર મારી તેમજ તેની પત્ની સાથે ઝપાઝપી કરી અને બહેન-બનેવીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આરોપીઓ સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.
તાલુકાના કમાણા ગામના મયુર રાજેન્દ્રકુમાર ચાવડા તેમની પત્ની જ્યોત્સનાબેન, બનેવી પિયઝા ચિરાગ તેમજ બહેન ફાલ્ગુનીબહેન મળી ઋષિવન દેરોલ ખાતે ફરવા જવા માટેનું આયોજન કર્યું હતું. મયુર અને તેમની પત્ની એક્ટિવા લઈને નીકળ્યા હતા જ્યાં તેઓ કડા રોડ પર તેમના બહેન બનેવીની રાહ જોઈને ઉભા હતા. તે દરમ્યાન સામેના પાર્લર વાળા શખ્સે ઈશારો કરી મયુરને બોલાવતા તે ગયો ન હતો. તે પછી પાર્લરવાળો ઇસમ મયુર પાસે આવી કહેવા લાગ્યો કે તમે કયા ગામના છો તમને ખબર નથી પડતી કે આ દરબારોનું ગામ છે. તમે કેમ એકબીજાના ખભા પર હાથ મૂકી ઊભા છો. જેથી મયુરે કહ્યું કે, અમે કમાણા ગામના છીએ. તમે કોણ છો? એવું કહેતા સામેના શખ્સે તેનુ નામ ચાવડા કૃણાલસિંહ બાબુજી હોવાનું જણાવ્યું હતું.
જેથી ચાવડા કૃણાલસિંહે દંપતિને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અમારા દરબારોના મહોલ્લા આગળ કેમ એકબીજા ખભા પર હાથ પર મૂકી ઊભા છો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. તે દરમિયાન કૃણાલસિંહનુ ઉપરાણું લઈ આવેલા સંદીપસિંહે મયુરની પત્નીના ટીશર્ટને કોલરના ભાગેથી પકડી ખેંચીને ફાડી નાખ્યું હતું તેમજ તેની સાથે ઝપાઝપી કરી હતી. જેથી ગળામાં પહેરેલ સોનાની ચેઇન ક્યાંક પડી ગઈ હતી.
આ દરમિયાન મયુરના બહેન બનેવી સહિત મયુર પત્નીને છોડાવવા વચ્ચે પડતાં તેમને હાથમાં રહેલો ધોકો માથાના ભાગે માર્યો હતો. તેમજ બહેન બનેવી ને ગડદાપાટુંનો માર માર્યો હતો. સંદીપસિંહ અને કૃણાલસિંહનુ ઉપરાણું લઈ બીજા ચાર ઈસમો આવી ગડદાપાટુંનો માર મારતા લોકોના ટોળા ભેગા થઈ જતાં તેઓ જતા રહ્યા હતા. તેમજ કહેતા ગયા હતા કે હવે પછી અમારી સાથે માથાકૂટમાં પડશો તો જાનથી મારી નાખીશું. આમ મયુરને માથાના ભાગે ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આમ ચાવડા કૃણાલસિંહ, ચાવડા સંદીપસિંહ તેમજ બીજા ચાર અજાણ્યા ઈસમોએ મયુર અનુસૂચિત જાતિનો હોવાનું જાણવા છતાં પણ જાહેરમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી અપમાનિત કરી માથાના ભાગે ધોકો મારી તેમજ પત્નીનુ ટીશર્ટ ફાડી વાળ ખેંચી ઝપાઝપી કરતા ગળામાંથી સોનાની ચેઇન ક્યાંક પડી ગઈ હતી. મયુરના બહેન બનેવીને ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમના વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ બનાવ અંગે આઇપીસી કલમ 324,323,354,504,403,114,506(2) તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી