મહેસાણા જિલ્લાના કડી પોલીસ મથકમાં 18 વર્ષ અગાઉ નકલી પાસપોર્ટ બનાવવાના કેસમાં કુલ 5 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે કેસમાં અગાઉ બે આરોપી ઝડપાઇ ગયા હતા અને બે આરોપી વિદેશ ફરાર થઇ ગયા હતા. જેમાંથી પટેલ જશવંતને ઝડપવાનો બાકી હતો. જે મામલે મહેસાણા પેરોલ ફર્લો પીએસઆઇ દેસાઈની ટીમના ASI નરેન્દ્રસિંહને બાતમી મળતા આરોપીને અમદાવાદથી ઝડપી લાવી મોટી સફળતા મેળવી હતી.
કડી પોલીસ મથકમાં પાસપોર્ટ બનાવવામાં નકલી દસ્તાવેજ બનાવી આપવાના કેસમાં આરોપી જશવંત પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ જશવંત પટેલ પોતાના અમદાવાદ ખાતે આવેલા રાણીપ વાળા મકાનમાં રહેતો હતો. જોકે જેતે સમયે પોલીસે ત્યાં તપાસ કરતા તે મળી આવ્યો નહોતો. બાદમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમને બાતમી મળી હતી કે જશવંત પટેલ અમદાવાદ સાઉથ બોપલ ખાતે આવેલા અરિહંત કુટિરમાં આવેલા મકાનમાં પોતાની બહેનના ઘરમાં પોતાના પરિવાર સાથે રહે છે.બાતમી મળતા જ ASI નરેન્દ્રસિંહ સહિત ટીમ મધરાતે અમદાવાદ ખાતે આરોપીને ઝડપવા દોડી ગઈ હતી
સમગ્ર કેસમાં મહેસાણા પેરોલ ફ્લો ટીમને આરોપીના એડ્રેસ વિશે માહિતી મળી ગઈ હતી.જ્યાં આરોપી રહેતો ત્યાં કુલ 37 મકાનો હતા.જેથી પોલીસને આરોપીનું ઘર શોધવા અને એ પણ ખાનગી રાહે પડકારરૂપ હતું. બાદમાં સિક્યુરિટીને પોલીસે સૂઝબૂઝ વાપરી પૂછપરછ કરતા સિક્યુરિટીએ આરોપીના ઘર મામલે જાણ કરી ત્યારબાદ પોલીસ રાત્રે આરોપીના ઘરે પહોંચી હતી.
મહેસાણા પેરોલફર્લો ટીમ આરોપીને ઝડપવા રાત્રે અમદાવાદ દોડી ગયા હતાં.જોકે આરોપીનું એડ્રેસ મળતા જ તેના ઘરે પહોંચી દરવાજો ખખડાવતા જ આરોપીને પોલીસ હોવાની જાણ થઈ જતા તેણે બે કલાક સુધી દરવાજો ખોલ્યો નહોતો. બાદમાં ભારે જહેમત બાદ દરવાજો ખોલતા આરોપીને ઝડપી લઈ મહેસાણા લાવવામાં આવ્યો હતો.તેમજ વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યો હતો.આમ છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપીને ઝડપવા મહેસાણા પેરોલ ફ્લો ટીમને મોટી સફળતા મળી હતી.